Connect Gujarat
Featured

વિધાનસભા સત્ર : ચોમાસુ સત્રની પાંચ દિવસીય કામગીરીનો આજથી પ્રારંભ, જાણો મહત્વની બાબતો

વિધાનસભા સત્ર : ચોમાસુ સત્રની પાંચ દિવસીય કામગીરીનો આજથી પ્રારંભ, જાણો મહત્વની બાબતો
X

કોરોનાના સંક્રમણ વચ્ચે આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. મહામારીના લીધે પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરાઈ છે. સત્ર પહેલા દરેક ધારાસભ્યોનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન 21 વિધેયક રજૂ કરવામાં આવશે.

ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભાની કામગીરી કોવિડ મહામારીના કારણે સમયથી મોડી અને નિયમોના ફેરફાર સાથે શરૂ થઈ રહી છે. આજથી પાંચ દિવસ સુધી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. જેમાં 21 વિધેયકો પસાર કરવામાં આવશે. આ પહેલા વિધાનસભા ગૃહમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ધારાસભ્યોને બેસવાની વ્યવસ્થા પણ સામાજિક અંતર સાથે કરવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને સિનિયર ધારાસભ્યો ગૃહમાં બેસશે જ્યારે 79 ધારાસભ્યોને ગેલેરીમાં બેસવું પડશે. સત્રમાં સામેલ થનાર તમામ ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ પણ કોરોના ટેસ્ટ રેપિડ કીટથી કરાવ્યો હતો. લોકસભાની જેમ ગુજરાત વિધાનસભામાં પણ કોરોના મહામારીના કારણે ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ રદ કરાયો છે. વિધાનસભા સત્રમાં કુલ છ બેઠકો યોજવામાં આવશે.

મુખ્યત્વે ગુંડા નાબુદી ધારા એકટ, પાસા કાયદામાં સુધારો, ભૂ માફિયા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ, મહેસૂલ રજીસ્ટ્રેશન એકટમાં સુધારો સહિત કુલ 21 વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવશે. સત્રના દિવસ દરમિયાન દરરોજ ગૃહમાં 10 કલાક કામગીરી ચાલશે. સત્રમાં પ્રશ્નોત્તરી રદ કરાઈ છે પણ ધારાસભ્ય ટૂંકી મુદતના પ્રશ્ન ગૃહમાં રજુ કરી શકશે.લોક ડાઉન અને અનલોક દરમિયાન કોરોના વોરિયર્સની કામગીરી પણ બિરદાવવામાં આવશે. આ સત્રના અંતિમ દિવસે શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે બે ધારાસભ્યોને સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ આપવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આજે સત્રના પ્રથમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનના પગલે શોક પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.

સત્ર તોફાની બની રહે તેવી શક્યતા છે કારણકે કોરોના, અતિવૃષ્ટિ, સરકારી ભરતી, બેરોજગારી, મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષ રૂપાણી સરકારને ભીસમા લેશે. કોંગ્રેસના ધારાસભ્યોની મોડી સાંજે બેઠક મળી હતી જેમાં ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.

Next Story