Connect Gujarat
Featured

બનાસકાંઠા : હવામાંથી પાણી બનાવવાની વાતો હવે માત્ર વાતો નહીં, જુઓ બનાસ ડેરીનો “સફળ પ્રયોગ”

બનાસકાંઠા : હવામાંથી પાણી બનાવવાની વાતો હવે માત્ર વાતો નહીં, જુઓ બનાસ ડેરીનો “સફળ પ્રયોગ”
X

કહેવાય છે કે, કાળામાથાનો માનવી ધારે તે કરી શકે છે. હવે હવામાંથી પાણી બનાવવાની વાતો માત્ર વાતો નથી રહી પણ તેનો પ્રયોગ પણ સફળ થઈ ગયો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામમાં બનાસ ડેરી દ્વારા હવામાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્સ શરૂ કરાયું છે. જોકે હવે આગામી દિવસોમાં હવામાંથી પણ લોકોને પાણી મળતું થશે તેવા સફળ પ્રયોગને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે.

બનાસ ડેરી દ્વારા બનાસકાંઠાના સરહદી વિસ્તારના સુઇગામ જેવા છેવાડાના ગામમાં નાના પાયે હવામાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્સ શરૂ કરાયું છે. જોકે આ નાનો પ્રયોગ હાલતો સફળ થયો છે. જેને આગામી દિવસોમાં વધુ મશીનરી સાથે વિકસવામાં આવશે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરએ વડાપ્રધાનની વાતોને ગળે ઉતારી તેના પર કામ શરૂ કરી સૌપ્રથમ હવામાંથી પાણી મેળવવાનો સફળ પ્રયાસ કર્યો છે. સાથે જ બનાસકાંઠાનું નામ ગૌરવંતુ કર્યું છે. જોકે આ પદ્ધતિ સફળ થાય તો આવનારા સમયમાં સરહદી વિસ્તારના લોકો માટે અને બોર્ડર પર ફરજ નિભાવતા જવાનો માટે પણ પાણીનો મોટો પ્રશ્ન છે તે હલ થશે તેમ છે. જેમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થશે તેવો આશાવાદ શંકર ચૌધરીએ વ્યક્ત કર્યો છે.

ભારત-પાક સરહદ નજીકના ગામમાં બનાસ ડેરી દ્વારા એક આધુનિક મશીનનું પરીક્ષણ કરાયું છે. જે સોલારની મદદથી ચાલી રહ્યું છે, અને હવાના ભેજમાંથી પાણીને અલગ કરી પાણી બહાર કાઢી રહ્યું છે. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પાણીની અછતવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે આ એક વરદાન છે. આ મશીન વીજળી અને સોલાર બન્નેથી ચાલે છે અને દરરોજ 120 લિટર જેટલું પાણી બનાવે છે. શંકર ચૌધરીએ વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ તેઓને આ કામ કરવા માટે બળ પૂરું પાડ્યું છે અને ભવિષ્યમાં આ સફળ પ્રયોગને તેઓ વધુ કાર્યક્ષમ બનાવવા માંગે છે. જોકે બનાસકાંઠામાં હવામાંથી પાણી મેળવી શકાય તે પ્રયોગ સફળ કરી દિવસનું 120 લીટર પાણી મળતું થયું છે. જે ભારત માટે ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય તેમ છે, ત્યારે મહત્વની બાબત છે કે, તાજેતરમાં જ બનાસ ડેરી દ્વારા ગોબરમાંથી CNG ગેસ મેળવવાની સફળતા બાદ હવે હવામાંથી પાણી બનાવવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે.

Next Story