સુરત : બેલ્જિયમમાં ફરી લોકડાઉન થતાં તેની સીધી અસર હીરાનગરીને થશે, જુઓ શું કહી રહ્યા છે ઉદ્યોગકારો..!

બેલ્જિયમમાં ફરી કોરોનાના કેસ વધતાં તા. 13મી ડિસેમ્બર સુધી ફરી લોકડાઉન જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે હીરા ઉદ્યોગમાં વેપારને લઈને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. 50 ટકાથી વધુ રફ ડાયમંડ બેલ્જિયમથી આવે છે, ત્યારે નાના હીરા ઉદ્યોગકારોને રફ ડાયમંડનો સ્ટોક મેળવવામાં તકલીફ પડી શકે તેવો મત વ્યક્ત થઈ રહ્યો છે.
વિદેશોમાં ફરી કોરોનાએ માથું ઉંચકતાં ઘણાં દેશો અને શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાંનુ એક બેલ્જિયમ પણ છે. બેલ્જિયમ મોટાભાગે રફ ડાયમંડ માટેનું સેન્ટર ગણવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે 50 ટકાથી વધુ રફ ડાયમંડનો સ્ટોક બેલ્જિયમથી આવતો હોય છે. જોકે સામી દિવાળીએ બેલ્જિયમમાં જાહેર થયેલા લોકડાઉનના કારણે ભારતમાં શરૂ થતાં વેકેશન દરમ્યાન જે હીરા ઉદ્યોગકારો રફ ડાયમંડ લેવા માટે ત્યાં જતાં હતા, તે હવે જઈ શકશે નહીં. જેના કારણે નાના હીરા ઉદ્યોગકારોને ક્રિસમસ સિઝન માટે રફ ડાયમંડનો મળતો સ્ટોક અટકે તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
પ્રથમ લોકડાઉન સર્જાવવાના કારણે સુરતમાં આવતાં રફ ડાયમંડ અને એક્સપોર્ટ થતાં પોલિશ્ડના સ્ટોકને મોટી અસર થઈ હતી. જેમાં 10થી 15 ટકા પ્રિમિયમે પણ રફ ડાયમંડનું વેચાણ થયું હતું. જોકે બીજા લોકડાઉનમાં બેલ્જિયમ ગર્વમેન્ટ દ્વારા ડાયમંડ વેપાર માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ વત્તા-ઓછા પ્રમાણમાં સ્ટોકને અસર થાય તેવી ચિંતા છે. તો સાથે જ મોટાભાગે પોલિશ્ડ ડાયમંડનો વેપાર અમેરિકા સાથે છે. જોકે દિવાળી પછી તરત ક્રિસમસ આવે છે, ત્યારે બેલ્જિયમમાં લોકડાઉનથી રફ ડાયમંડની ખરીદીને અસર થઈ શકે તેમ છે. જે લોકો ત્યાં જઈને રફ ડાયમંડ ખરીદતાં હોય તેઓ પણ હવે ત્યાં જઈ શકશે નહીં. જોકે બેલ્જિયમમાં પોલિશ્ડ ડાયમંડનો વેપાર માત્ર 6 ટકા જેટલો જ છે. જેના કારણે ત્યાં ખાસ અસર જોવા મળશે નહીં તેવું ડાયમંડ ઉઘોગકારોનું માનવું છે.