Connect Gujarat
Featured

ભરૂચ : આમોદમાં કોંગ્રેસની ચુંટણીલક્ષી બેઠક મળી, નેતાઓ અને કાર્યકરો ભુલ્યાં માસ્ક પહેરવાનું

ભરૂચ : આમોદમાં કોંગ્રેસની ચુંટણીલક્ષી બેઠક મળી, નેતાઓ અને કાર્યકરો ભુલ્યાં માસ્ક પહેરવાનું
X

કોરોના વાયરસના વાવર વચ્ચે રાજકીય પાર્ટીઓ તેમનો રોટલો શેકવામાં મશગુલ છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વિજય મેળવવા માટે કમર કસી રહયાં છે. સંગઠનને મજબુત કરવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે બેઠકો દરમિયાન કોવીડ-19ની ગાઇડલાઇનનું પાલન થતું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે.

ગુજરાતમાં માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહયાં છે. જયારે રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં કોવીડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડતાં હોવા છતાં પોલીસ કાર્યવાહી કરતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે. કોવીડ-19ના સંદર્ભમાં સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનના પાલનમાં ભાજપ અને કોંગ્રેસ બંને સરખા છે.

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે નગરપાલિકાના પ્રભારી સુલેમાન પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સંગઠન તેમજ ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રભારી સુલેમાન પટેલ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યાં હતાં. રાજયમાં કોરોનાનો વાવર હજી ચાલુ છે ત્યારે આ પ્રકારની બેદરકારી કોરોનાના સંક્રમણમાં વધારો કરી શકે છે.

Next Story