ભરૂચ જિલ્લામાં 69મા વન મહોત્સવની કરાશે ઉજવણી, અંકલેશ્વરથી થશે પ્રારંભ

New Update
ભરૂચ જિલ્લામાં 69મા વન મહોત્સવની કરાશે ઉજવણી, અંકલેશ્વરથી થશે પ્રારંભ

આગામી તારીખ 30 જુલાઇના રોજ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ અંકલેશ્વર AIA હોલ ખાતે યોજાશે

ભરૂચ જિલ્લામાં 69માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જિલ્લાના દરેક તાલુકામાં ૩૦ મી જુલાઈથી ૧૫ મી ઓગષ્ટ સુધી તમામ ગામોમાં વૃક્ષ રથની સાથે રોપા વિતરણ કરવામાં આવશે. જેનો પ્રારંભ અંકલેશ્વર ખાતે ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમના અધ્યક્ષ મહેબુઅલીના અધ્યપણા હેઠળ કરવામાં આવશે.

ભરૂચ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સામાજીક વનીકરણ વિભાગ ધ્વારા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને નોટીફાઇડ એરીયા ઓથોરિટી, અંકલેશ્વરના સહયોગથી જીઆઇડીસી સ્થિત ઉદ્યોગ મંડળની ઓફિસનાં સાંસ્કૃતિક હોલમાં યોજાશે. ત્યારે 18-19નાં વર્ષને ગ્રીન ગુજરાતનું સૂત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃક્ષારોપણ કાર્યક્રમની સફળતા માટે રાજયના તમામ નાગરિકોને અપીલ કરી છે.

જળ સંચય યોજના હેઠળ ઉંડા કરવામાં આવેલા તળાવો, ચેકડેમ, વન તલાવડી તેમજ અન્ય ભેજ સંરક્ષણ માટે તૈયાર કરવામાં આવેલા તમામ સ્થળો ઉપર વૃક્ષારોપણ કરવામાં આવે અને જળ સંચય યોજના હેઠળ જુદી જુદી નદીઓના કાંઠે વૃક્ષારોપણ કરવામાં આવે તેમજ જિલ્લામાં આવેલ તમામ સરકારી વિભાગોના કચેરી તેમજ રહેઠાણ વિસ્તાર કેમ્પસ જી.આઈ.ડી.સી ઔદ્યોગિક વસાહતો કૃષી નિર્દેશન કેન્દ્રો એસ.ટી. ડેપો વગેરે તમામ સ્થળોએ ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવા અપીલ કરી છે.

અંકલેશ્વર ખાતે ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમના અધ્યક્ષ મહેબુઅલીના અધ્યક્ષસ્થાને શરૂ થનારા વન મહોત્સવનાં કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચના નાયબ વન સંરક્ષક એમ.આર.સોલંકી અને તેમના સ્ટાફ ધ્વારા વન મહોત્સવની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. તો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટીફાઈડ વિભાગ દ્વારા પણ પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Latest Stories