Connect Gujarat
Featured

ભરૂચ : ગુમાનદેવના મહંતને મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો, ભાજપના સાંસદે ઠાલવ્યો રોષ

ભરૂચ : ગુમાનદેવના મહંતને મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો, ભાજપના સાંસદે ઠાલવ્યો રોષ
X

ઝઘડીયાના ગુમાનદેવ નજીક ડમ્પરની ટકકરે ચાર લોકોના મોત થયાં બાદ ઉશ્કેરાયેલાં ટોળાએ મંદિરના મહંતને માર માર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજયમાં સાધુ અને સંતો સલામત નહિ હોવાનું જણાવી ખુદ તેમની પાર્ટીની સરકારની મુશ્કેલીઓ વધારી છે…..

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ પાસે વાહનની રાહ જોઇ ઉભેલા ચાર લોકોને કચડી મારી ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. ફરાર થઇ ગયેલાં ડમ્પરની ભાળ મેળવવા લોકોએ મંદિર ખાતે લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજની માંગણી કરી હતી પણ મંદિરના સીસીટીવી બંધ હોવાથી ઉશ્કેરાયેલા ટોળાએ મંદિરના મહંત સાથે મારપીટ કરી હતી. મહંતને ગંભીર ઇજાઓ સાથે અંકલેશ્વરની સરગમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોએ મહંતની મુલાકાત લીધી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ અંગે એક મહિના પહેલા જ ભરૂચ જિલ્લા કલેકટરને અને જિલ્લા પોલીસ વડાને મેં પત્ર લખ્યો હતો. જેમાં ગુમાનદેવ મંદિર ના મહંત સુરક્ષિત નથી તેમ જણાવ્યું હતું પરંતુ આ બાબતે કોઈ જ પગલા લીધા નથી. જો આ અંગે મારા પત્ર પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજની ઘટના બની છે ના બની હોત. આ ઘટનાથી ખરેખર અત્યંત દુઃખ થયું છે અને હવે આવી ઘટના ન બને એ બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પૂરતી સુરક્ષાવ્યવસ્થા રાખે તે જરૂરી છે. રાજયમાં હવે સાધુ અને સંતો પણ સલામત રહયાં નથી તેમ લાગી રહયું છે. બીજી તરફ મહંત પર હુમલાની ઘટનામાં 60થી વધુના ટોળા સામે મારામારી તથા લુંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Next Story