Connect Gujarat
Featured

ભરૂચ : ઝઘડીયાની UPL5 કંપનીમાં બ્લાસ્ટ મામલે છોટુ વસાવાના સંગીન આરોપ!

ભરૂચ : ઝઘડીયાની UPL5 કંપનીમાં બ્લાસ્ટ મામલે છોટુ વસાવાના સંગીન આરોપ!
X

ભરૂચ જિલ્લાની ઝઘડીયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ યુપીએલ કંપનીના પાંચ નંબરના યુનિટમાં પ્રચંડ બ્લાસ્ટમાં 7 કર્મીઓ ગાયબ થયા હતા જે પૈકી 3 કર્મચારીઓના મૃત્યુ થયા છે જ્યારે અન્ય ચાર કર્મી હજુ પણ લાપતા છે. બ્લાસ્ટ મુદ્દે ઝઘડીયા વાલિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ કંપની તેમજ સરકાર પર સંગીન આરોપો લગાવ્યા છે. શોર્ટ સર્કિટના કારણે આગ નહીં બલ્કી ષડયંત્ર ગણાવ્યું છે.

ભરૂચ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ UPL - 5 કંપનીમાં રીએકટર ફાટતાં મોટા ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં કંપનીના 23 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતાં જ્યારે ૭ કર્મચારીઓ લાપતા બન્યાં હતાં. જેમાંથી અત્યાર સુધી ૩ કર્મચારીઓના મૃતદેહ મળી ચૂક્યા છે જ્યારે ૪ કર્મચારીઓ બનાવના ૬૦ કલાક બાદ પણ હજુ સુધી લાપતા છે, ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ યુપીએલ કંપની પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, આ શોર્ટ સર્કિટના કારણે નહીં પરંતુ અહીં લોકો સાથે ઈરાદા પૂર્વક ચેનચાળા કરવામાં આવી રહ્યા છે.

અવાર નવાર ઉદ્યોગોમાં આગની દુર્ઘટનાઓમાં કામદારો જીવ ગુમાવે છે. કંપનીઓમાં કામદારો માટે કોઈ સુરક્ષા અને સલામતીના પગલાં લેવામાં આવતા નથી. આવા ઉદ્યોગો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે અને આવી કંપનીઓને બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો આમ કરવામાં નહી આવે તો છોટુભાઈ વસાવાએ જોખમી ઉદ્યોગોને બંધ કરાવા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લો એશિયામાં સૌથી મોટી અને વધુ ઔદ્યોગિક વસાહત ધરાવે છે. અંકલેશ્વર, દહેજ અને ઝઘડીયા સહિતની જીઆઇડીસીઓમાં કેમિકલ ઉદ્યોગોમાં અવાર નવાર બ્લાસ્ટ તેમજ આગની ઘટનાઓ બને છે જેમાં અનેક નિર્દોષ કામદારો ઘાયલ થતાં હોય છે તેમજ જીવ ગુમાવતાં હોય છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.

Next Story