Connect Gujarat
Featured

ભરૂચ : જુન અને જુલાઇ મહિના રહયાં કોરોનાના નામે, બે મહિનામાં સૌથી વધુ સંક્રમણ

ભરૂચ : જુન અને જુલાઇ મહિના રહયાં કોરોનાના નામે, બે મહિનામાં સૌથી વધુ સંક્રમણ
X

ભરૂચ જિલ્લામાં જુન અને જુલાઇ મહિનામાં કોરોના વાયરસ એકદમ ઝડપથી ફેલાયો છે. આ બે મહિના દરમિયાન સંક્રમણના પગલે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 500ને પાર કરી ગઇ છે……

ભરૂચ જિલ્લામાં આઠમી એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. માર્ચ મહિનાથી લોકડાઉન કરી દેવામાં આવતાં કોરોના વાયરસનું સંક્રમણ અટકી ગયું હતું. પણ જુન અને જુલાઇ મહિનામાં અનલોક દરમિયાન લોકો પોતાના ઘરોની બહાર નીકળ્યાં અને કોરોના વાયરસના ભરડામાં સપડાવા લાગ્યાં હતાં. આજના દિવસે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 500 પર પહોંચી ચુકી છે. પહેલી જુલાઇના રોજ જિલ્લામાં 250 દર્દીઓ હતાં પરંતુ માત્ર બે સપ્તાહમાં આ આંકડો ડબલ થઇ ગયો છે. અત્યાર સુધીમાં કોરોનાથી 15 દર્દીના મોત થઇ ચુકયાં છે.

કોરોના વાયરસના વધી રહેલાં દર્દીઓની સંખ્યા દરેક ભરૂચ જિલ્લાવાસી માટે લાલબત્તી સમાન છે. ભરૂચમાં એક માત્ર અંકલેશ્વર ખાતે કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ આવેલી છે. જિલ્લામાં આધુનિક આરોગ્યલક્ષી સુવિધાઓ ઓછી હોવાના કારણે આર્થિક રીતે સધ્ધર દર્દીઓ વડોદરા અને સુરતમાં સારવાર લેવા જઇ રહયાં છે. પરંતુ વડોદરા અને સુરતની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. ભરૂચના દર્દીઓ અનેક આજીજીઓ અને વિનંતીઓ કરે છે ત્યારે તેમને સારવાર માટે દાખલ કરવામાં આવી રહયાં છે.

ભરૂચના જાણીતા ઉદ્યોગપતિ અને હોસ્પિટલના ટ્રસ્ટીને પણ વડોદરામાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. આ કિસ્સો જ ભરૂચમાં આરોગ્યલક્ષી સુવિધાઓ કેવી હશે તેના તરફ અંગુલિનિર્દેશ કરે છે. આવા સંજોગોમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકો પોતાના ઘરોમાં જ રહે અને બહાર નીકળે તો માસ્ક અવશ્ય પહેરે તેવી કનેકટ ગુજરાત તરફથી અપીલ કરવામાં આવે છે.

Next Story