Connect Gujarat
Featured

ભરૂચ: લારી ગલ્લા ધારકોએ હોકર્સ ઝોન ફાળવવાની કરી માંગ, જુઓ કારણ

ભરૂચ: લારી ગલ્લા ધારકોએ હોકર્સ ઝોન ફાળવવાની કરી માંગ, જુઓ કારણ
X

ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ લારી ગલ્લા હટાવવામાં આવી રહ્યા છે ત્યારે રોજગારી છીનવાઈ જતા લારી ગલ્લા ધારકોએ ક્લેક્ટરને રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હોકર્સ ઝોન ફાળવવાની માંગ કરી છે.

વિકસતા જતાં ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ લારી ગલ્લા તેમજ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા આ કામગીરી કરાતા રોજગારી છીનવાઈ હોવાના આક્ષેપ સાથે લારી ગલ્લા ધારકોએ ક્લેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને રજૂઆત કરી હતી.

લારી ગલ્લા ધારકોની રજૂઆત અનુસાર તેઓ રોજનું કમાઈને રોજ ખાય છે ત્યારે નગર પાલિકા દ્વારા દબાણના નામે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. લારી ગલ્લા નગર પાલિકા દ્વારા જપ્ત કરી લેવાના કારણે તેઓએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. સરકાર આત્મનિર્ભર થવાની મોટી વાત કરે છે પરંતુ આ માટે કોઈ વ્યવસ્થા ન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે વેપાર રોજગાર માટે તંત્ર દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા હોકર્સ ઝોન ફાળવવાની માંગ કરવામાં આવી છે.

Next Story