Connect Gujarat
Featured

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રવિવારે મતદાન, વહીવટીતંત્ર બન્યું સજજ

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રવિવારે મતદાન, વહીવટીતંત્ર બન્યું સજજ
X

રાજયમાં મહાનગરપાલિકાઓ બાદ હવે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં રવિવારના રોજ મતદાન થશે. ભરૂચ જિલ્લામાં ત્રણેય સંસ્થાઓની મળી 348 બેઠકો માટે 1,026 ઉમેદવારો નસીબ અજમાવી રહયાં છે..

ભરૂચમાં જિલ્લામાં પંચાયતની 34, નવ તાલુકા પંચાયતની 182 અને ચાર નગરપાલિકાઓની 132 બેઠકો માટે તારીખ 28મી ફેબ્રુઆરી રવિવારના રોજ મતદાન થવા જઇ રહયું છે.નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી અને પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. ભરૂચમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 10, તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 18 અને નગરપાલિકાઓની ચૂંટણી માટે 04 અધિકારીઓ નિયુકત કરાયાં છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 1,117 જયારે નગર પાલિકાઓ માટે 246 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 95, તાલુકા પંચાયતોની 182 બેઠકો માટે 495 તથા નગરપાલિકાઓની 132 બેઠકો માટે 436 ઉમેદવારો મેદાનમાં છે. અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લા પંચાયત માટે હાંસોટ -12, તાલુકા પંચાયત માટે ધમરાડ - 1 તથા અંકલેશ્વર નગરપાલિકા માટે વોર્ડ નંબર -6ની એક બેઠક બિનહરીફ થઇ ચુકી છે. ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 9,30,377 જયારે નગરપાલિકાઓની ચૂંટણી માટે 2,64,696 મતદારો નોંધાયેલાં છે. ભરૂચના ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે.

Next Story