Connect Gujarat
Featured

ભરૂચ : મુલદ ગામે ખેતરોમાં ફરી વળ્યાં પાણી, જુઓ ખેડૂતોએ કેવી રીતે કર્યો વિરોધ

ભરૂચ : મુલદ ગામે ખેતરોમાં ફરી વળ્યાં પાણી, જુઓ ખેડૂતોએ કેવી રીતે કર્યો વિરોધ
X

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલાં પાણીના કારણે કાંઠા વિસ્તારમાં ખેતીનો દાટ વળી ગયો છે. ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકને નુકશાન થતાં મુલદ ગામના ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે ખેતરોમાં પહોંચી જઇ સરકાર તથા સરદાર સરોવર નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો છે.

ગત તા. 29મી ઓગષ્ટના રોજથી નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પુર આવ્યો હતો. નર્મદા નદીમાં આવેલાં પુરે હજારો એકર જમીનમાં વાવેતર કરાયેલાં પાકનો દાટ વાળી દીધો છે. ગોવાલી, ઝઘડીયા, માંડવા, મુલદ સહિતના અનેક ગામોમાં કેળ, શાકભાજી અને બગાયાતી પાકો નષ્ટ થઇ ગયાં છે. ભરતભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, સરદાર સરોવર નિગમની બેદરકારીના કારણે ખેતીને ભારે નુકશાન થયું છે. શાકભાજીના પાકો નષ્ટ થઇ જતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયાં છે. નર્મદા નદીમાં આવેલું પુર એ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે જ આવ્યું છે.

નર્મદા નદીમાં આવેલાં પુરમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી હોવાનો આક્ષેપ રાજયસભાના સાંસદ અહમદ પટેલ પણ કરી ચુકયાં છે. નરેન્દ્ર પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, કલેકટરે 26મી ઓગષ્ટના રોજ જણાવ્યું હતું કે, ડેમમાંથી એક લાખ કયુસેક પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમના સત્તાધીશો પાસે ધીમે ધીમે પાણી છોડવાનો વિકલ્પ હોવા છતાં તેમણે ડેમમાં પાણી ભરવાનું ચાલુ રાખ્યું હતું અને તા. 29મીના રોજથી રોજનું લાખો કયુસેક પાણી નદીમાં છોડી દીધું હતું જેના કારણે ભરૂચ જિલ્લામાં ખેતરોમાં તૈયાર થયેલો પાક ધોવાઇ ગયો છે.

નર્મદા ડેમમાં છોડવામાં આવેલાં પાણીના વિરોધમાં ખેડુતોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવી તેમનો રોષ ઠાલવ્યો છે. ગત વર્ષે પણ ગોવાલી, ઝઘડીયા, મુલદ, માંડવા સહિતના ગામોના ખેડૂતો બરબાદ થઇ ગયાં હતાં અને આ વર્ષે પણ તેમની ખેતી નાશ પામી છે. આ સંદર્ભમાં ભરૂચના કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પુરના કારણે જિલ્લાના 30 ગામોમાં અસર થઇ છે, ત્યાં સર્વે કરાવવામાં આવશે અને જે ખેડૂતોને નુકશાન થયું છે તેમને વળતર પણ ચુકવવામાં આવશે.

Next Story