ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસેથી મહારાષ્ટ્રથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરતા 2 ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના શિરડીથી અમદાવાદ જતી લક્ઝરી બસ નંબર AR-01-T-3269માં નાસિકથી 2 ઈસમો 3 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઇ મુસાફરી કરી રહ્યા છે, ત્યારે બાતમીના આધારે LCB પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી બાતમીવાળી લક્ઝરી બસ આવતા તેને થોભાવી બસમાં સવાર બાતમીવાળા બન્ને મુસાફરોની તલાશી લેતા તેમની પાસેથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ નંગ 64 મળી આવી હતી. જેમાં પોલીસે રૂપિયા 41 હજારનો દારૂ અને 2 ફોન મળી કુલ રૂપિયા 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.