Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : બાંગ્લાદેશી આરોપીનું આતંકવાદી કનેકશન આવ્યું સામે, બાંગ્લાદેશમાં જ આરોપીએ ચાર ખુન કર્યા છે

અંકલેશ્વર : બાંગ્લાદેશી આરોપીનું આતંકવાદી કનેકશન આવ્યું સામે, બાંગ્લાદેશમાં જ આરોપીએ ચાર ખુન કર્યા છે
X

બાંગ્લાદેશથી ગુજરાતમાં ગેરકાયદે આવી અંકલેશ્વરમાં વસવાટ કરતાં ચાર બાંગ્લાદેશીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન એક બાંગ્લાદેશી આરોપી અજોમ શમશુ શેખની આતંકવાદી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ ( એબીટી ) સાથે સંડોવણી બહાર આવી છે.

અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી અમરતપુરા ગામ નજીકથી ટ્રાવેલ બેગમાંથી અજાણ્યા પુરૂષના અંગો મળી આવ્યાં હતાં. અમરતપુરા બાદ સારંગપુર ગામ પાસેથી પણ ટ્રાવેલ બેગમાંથી પુરૂષના અંગો મળી આવ્યાં હતાં. ભરૂચ પોલીસે ટ્રાવેલ બેગ મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાંખી હત્યાના ગુનામાં સંડોવાયેલાં ચાર આરોપીઓને ઝડપી પાડયાં હતાં. અમદાવાદમાં રહેતો અકબર નામનો બાંગ્લાદેશી અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ઘુસેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકોને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતો હતો.

અકબરની ધમકીઓથી કંટાળી મહિલા સહિતના આરોપીઓએ અકબરને અમદાવાદથી અંકલેશ્વર બોલાવ્યો હતો અને કાવતરા મુજબ તેની હત્યા કરી નાંખી હતી. અકબરના શરીરના ટુકડે ટુકડા કરી તેને ટ્રાવેલ બેગમાં ભરીને અમરતપુરા તથા સારંગપુરમાં નિકાલ કરી દેવાયો હતો. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી અજોમ શમશુ શેખનો ગુનાહિત ભુતકાળ સામે આવ્યો છે.

અજોમ સમશુ શેખ બાંગ્લાદેશના કમરકુલા ગામનો રહેવાસી છે અને તે બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ ( એબીટી) સાથે સંકળાયેલો છે. આરોપી અજોમ સમશુ શેખ અંકલેશ્વર તથા ભરૂચમાં ભાડાના મકાનોમાં રહેતો હતો. તે પોતે બાંગ્લાદેશી ફકીર હોવા છતાં શેખ અટક ધારણ કરી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ્યો હતો. 2016-2017ના વર્ષમાં તે ભારતથી પરત બાંગ્લાદેશ ગયો હતો. જયાં તેણે સમયાંતરે ચાર વ્યકતિઓના ખુન કરી મૃતદેહોને જમીનમાં દાટી દીધાં હતાં.

બાંગ્લાદેશની પોલીસને બે મૃતદેહ મળી આવ્યાં છે જયારે બે મૃતદેહ હજી જમીનમાં દટાયેલાં છે. આરોપી અજોમની 2018માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. અજોમ શેખ બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન એબીટી સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં રોકાણ દરમિયાન તેણે કોઇ આતંકવાદી કે દેશવિરોધી પ્રવૃતિ કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

Next Story