ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચી હતી, જ્યારે મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ નિલેશ ચોકડી પાસે આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 ટ્રક, 2 ટ્રેલર અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે સહિત પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાય ગયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટરો સહિત પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ગેસ કટરની મદદથી પતરું કાપીને ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા રેસક્યું ટીમે જહેમત ઉઠાવી હતી.
લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન વડે રોડની સાઇડમાં કરાવી પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચી હતી, જ્યારે મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.