ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સહિત આજુબાજુના કેટલાક ગામોમાં વીજ કંપનીની બહારથી આવેલ ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરતા વીજચોરો ઉંઘતા ઝડપાયા હતા. જેમાં ઝડપાયેલા 68 વીજ જોડાણોમાંથી રૂપિયા 25 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા વીજચોરી અંતર્ગત સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અંતગર્ત વીજચોરી ઝડપી પાડવા મોટાપાયે વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વીજ કંપનીની 34 જેટલી ટીમોએ 22 વાહનોના કાફલા અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ભરૂચ જિલ્લાના રાજપારડી, સારસા, માધપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.
આ દરમિયાન વીજ કંપનીની ટીમોએ 565 જેટલા વીજ જોડાણો જીણવટભરી રીતે તપાસ્યા હતા. આ તપાસ દરમિયાન કુલ 68 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઇ આવતા, વીજચોરોને કુલ મળીને રૂપિયા 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, લંગરીયાઓ નાંખી તેમજ વીજ મિટરો સાથે ચેડા કરીને વીજચોરી કરતા પકડાયેલ વીજ ગ્રાહકો સામે વીજ કંપની દ્વારા કરવામાં આવેલ દંડનીય કાર્યવાહીના પગલે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.