Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નુપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વાગરા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું

મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા સામે ભરૂચ જીલ્લામાં પણ રોષ જોવા મળ્યો છે

ભરૂચ : નુપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વાગરા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું
X

મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા સામે ભરૂચ જીલ્લામાં પણ રોષ જોવા મળ્યો છે, ત્યારે વાગરા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઇ આવેદન પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી.

વાગરા મુસ્લિમ સમાજદ્વારા ભાજપની રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા જે માનવતા અને ભાઈચારાની દુશ્મન છે કે, જેણે ઇસ્લામના મહાન પયગંબર અને સમગ્ર દુનિયા માટે શાંતિ અને ભાઇચાર ના મસીહા માટે અપમાન જનક અભદ્ર ટિપ્પણી કરેલ છે, ત્યારે તેનાં આકરા પ્રત્યાઘાત પડ્યા છે. વાગરા મામલતદાર કચેરી ખાતે ભાજપના પ્રવક્તા વિરૂદ્ધ આવેદન પાઠવાયું હતું. જેમાં આ વ્યક્તિ લોકતંત્ર માટે ખતરા સમાન હોવાનું જણાવાયું છે. જેના વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ વડાપ્રધાન મોદી અને ભારત સરકારને સંબોધી મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં જણાવાયું હતું કે, નુપુર શર્માએ ભારત દેશ અને તેની એકતા અને ભાઇચારા માટે ખતરા સમાન બનેલ છે. વારંવાર ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી આવા અસામાજીક તત્વો કરતા હોય છે, જેથી દેશનું વાતાવરણ બગાડવાનું કાર્ય આવા અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ કરી રહ્યા છે. જેના વિરુદ્ધ ખૂબ કડક સજા કરવી જોઈએ, જેથી આવા લોકો માટે આ સજા એક નમૂનારૂપ બને જેની નોંધ સમગ્ર ભારત દેશમાં લેવાય તેવું દષ્ટાંત ઉભું કરવું જોઈએ. વાગરા મામલતદાર કચેરી ખાતે નુપુર શર્માના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વાગરા પોલીસના કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાઓના બેફામ વાણી વિલાસથી વિશ્વ ફલક પર ભારતની બદનામી થઈ રહી છે. ખાડી દેશોએ કરેલ નિંદાને પગલે બન્ને પ્રવક્તાઓને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જોકે, આવા લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માંગ દેશ તેમજ રાજ્યભરમાં ઉઠી છે.

Next Story