Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કાંટીપાડાના ભાવના વસાવાની જિલ્લા નાયબ માહિતી અધિકારી નિયુક્તિ, ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લાના નાયબ માહિતી અધિકારી તરીકે નવનિયુક્તિ પામેલા ભાવના વસાવાનો નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ : કાંટીપાડાના ભાવના વસાવાની જિલ્લા નાયબ માહિતી અધિકારી નિયુક્તિ, ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો
X

ભરૂચ જિલ્લાના નાયબ માહિતી અધિકારી તરીકે નવનિયુક્તિ પામેલા ભાવના વસાવાનો નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ કાંટીપાડા ગામે નવી કેડી કંડારી ભાવના વસાવા દ્વારા લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

નેત્રંગ તાલુકાના મૂળ કાંટીપાડા ગામના કુમારી ભાવના ચંપકલાલ વસાવાએ માહિતી ખાતા દ્વારા લેવાયેલી સીધી ભરતી અન્વયે ભરૂચ જિલ્લા નાયબ માહિતી અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા. કઠોર પરિશ્રમ અને અપાર મહેનતથી ક્લાસ વન અધિકારી થતાં વસાવા સમાજ સહિત નેત્રંગ તાલુકા અને પંથકભરમાં કાંટીપાડા ગામનું નામ રોશન કર્યું છે, ત્યારે આ ઉજ્જવળ કારકિર્દીને વધાવવા અને અન્ય લોકોને પ્રેરણા મળે તે હેતુથી સરપંચ અને અન્ય ગ્રામજનોના સહિયારા પ્રયાસથી કાંટીપાડા ગામે ભરૂચ જિલ્લાના નાયબ માહિતી અધિકારી અને એમના કુટુંબીજનો દ્વારા સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, ગામના તમામ પધાધિકારીઓ, અબાલ વૃદ્ધ સૌકોઈ હાજર રહ્યા હતા.

કાંટીપાડા ગ્રામજનોએ મુખ્ય સ્ટેશન ઉપર જિલ્લા નાયબ માહિતી અધિકારીનું પુષ્પગુચ્છ આપી, ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જોરશોરથી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ સાથે જ ગામની પ્રાથમિક શાળા સુધી વિજયઘોષ સાથે લોકોનું અભિવાદન કર્યું હતું. શાળા કક્ષાએ નાનકડા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગામના લોકોને પ્રેરણા વચન આપી લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ નાના બાળકો માટે લાઇબ્રેરી ઊભી કરી પુસ્તકો પૂરા પાડવા પ્રયત્નો કરી આવનારા નવા સત્ર દરમિયાન શાળાના બાળકોને નોટબુક વિતરણ કરી ગામનું ઋણ ચૂકવવા પ્રયત્ન કરવાની નેમ લીધી હતી. આમ, જિલ્લાના નાયબ માહિતી અધિકારી ભાવના વસાવાનો સન્માન કાર્યક્રમ યોજાતા સમાજમાં ગામના લોકોએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. આમ, કાંટીપાડા ગામે નવી કેડી કંડારી સમાજના લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Next Story