Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કોન્સ્ટેબલો જ ઉપરી અધિકારીની કરતા હતા જાસૂસી, જુઓ ક્યારથી શરૂ થયું જાસૂસીકાંડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર અને અશોક બુટલેગરોને પોલીસના લોકેશનો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે

X

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર અને અશોક બુટલેગરોને પોલીસના લોકેશનો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે જે બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બન્ને કોન્સટેબલ છેલ્લા એક વર્ષથી પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હોવાનું બહાર આવ્યું છે

સ્ટેટ મોનિટીરિંગ સેલના કેમિકલ માફિયા અને બુટલેગરો ઉપર મોટા દરોડા નિષ્ફળ જતા SMC ને શંકા ગઈ હતી. જેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને કરાયો હતો.SMC ના પોલીસ અધિકારીના લોકેશન ભરૂચ ના 2 કોન્સ્ટેબલ બુટલેગરોને શેર કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને SMC ના ડીવાયએસપી કે.ટી.કામરીયાની તપાસમાં બહાર આવ્યું હતું.બન્ને કોન્સ્ટેબલ અને સર્વેલન્સ વિભાગની ગુપ્ત રાહે તપાસમાં આ બને કોન્સ્ટેબલ પોલીસની જ જાસૂસી કરી બુટલગરોને વેંચતા હોવાની વિગતો સામે આવતા ગુજરાત પોલીસ વિભાગ હચમચી ગયું છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે બન્ને કોન્સ્ટેબલ મયુર ખુમાન અને અશોક સોલંકીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સાથે વધુ તપાસના આદેશો જારી કર્યા છે ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બન્ને કોન્સટેબલ એલ.આર.તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા અને લગભગ 5 વર્ષ પૂર્વે તેઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક આપવામાં આવી હતી. બન્ને કોન્સ્ટેબલોએ ટેકનિકલ સર્વેલન્સના આધારે અનેક ગુનાનો ભેદ ઉકેલવામાં ઉપરી અધિકારીને મદદ પણ કરી હતી જો કે સમય જતાં બન્નેએ અધિકારીઓની જાસૂસી કરવાનું જ શરૂ કર્યું હતું અને અંતે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બન્ને કોન્સટેબલ હાલ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં બનાવાયેલ પોલીસ લાઇનમાં રહે છે જે પૈકી અશોક સોલંકી મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.આ બન્ને કોન્સ્ટેબલે 3 મહિનામાં જ આઇપીએસ સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત મોબાઈલ લોકેશન કઢાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ચાલતી આ પ્રવૃત્તિમાં અનેક ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે પરંતુ સમગ્ર વિગત સચોટ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

Next Story