ભરૂચ : હોળી-ધૂળેટી પર્વે થતો કેમિકલયુક્ત રંગોનો વપરાશ "જોખમી", પ્રાકૃતિક રંગોથી ઉજવણી કરવા તબીબની સલાહ
રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે.
રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે. જોકે, કેસુડાં સહિતના પ્રાકૃતિક રંગો સાથે હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવે તેવી ભરૂચના જાણીતા ત્વચારોગના નિષ્ણાંત તબીબે લોકોને અપીલ કરી છે.
આપણે જાણીએ છીએ તેમ, હોળી ફાગણ માસની પુનમના દિવસે મનાવવામાં આવતો હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. હોળીના બિજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલે જ કહેવાય છે કે, આ દિવસે સવારથી સૌકોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જોકે, હવેના સમયમાં ક્યાંકને ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ વધ્યો છે. કેટલાક વર્ષોથી કેસુડાના બદલે જોખમી હોવા છતાંય ભેળસેળયુક્ત કેમિકલવાળા રંગોનો વપરાશ હોળીના સમયમાં વધી રહ્યો છે.
જેને પગલે મોટેરા અને બાળકોમાં ચામડી અને આંખમાં થતાં રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે આવા રંગોનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો, ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે છે, ત્યારે પ્રાકૃતિક રંગો સાથે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે તેવી ભરૂચના જાણીતા ત્વચારોગના નિષ્ણાંત તબીબે લોકોને અપીલ કરી છે.