Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના ભીમપુરા રોડ નવી વસાહતમાં પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળતા રોગચાળાની દહેશત

આમોદ ખતરે ભીમપુરા રોડ નવી વસાહતમાં પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળતા રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં દહેશત.

ભરૂચ : આમોદના ભીમપુરા રોડ નવી વસાહતમાં પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળતા રોગચાળાની દહેશત
X

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલી ભીમપુરા રોડ નવી વસાહતમાં ગટરનું દુષિત પાણી ભળતા રોગચાળાની દહેશત ઊભી થવા પામી હતી. આ વિસ્તારના રહીશોએ છેલ્લા નવ વર્ષથી રજુઆત કરતા હોવા છતાં આમોદ પાલિકા પછાત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી કામ ન કરતી હોવાના આક્ષેપો કરવામાં આવતા આમોદ નગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં આવેલ ભીમપુરા રોડ નવી વસાહત વિસ્તારમાં છેલ્લા નવ વર્ષથી ગટરના ગંદા પાણી સાથે પીવાના પાણીની લાઇન જાય છે જે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં પણ ભળી જતા વિસ્તારના રહીશોને દુર્ગંધ મારતું પાણી પીવાનો વખત આવ્યો છે. વિસ્તારના રહીશ અશોક વાઘેલાએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ તારીખ 23 જાન્યુઆરી 2014ના રોજ રજુઆત કરવામાં આવી હતી જેમાં પણ હાલ ઓનલાઈન અરજી ખોલતા હકારાત્મક નિકાલ થયો હોવાનું બતાવે છે પરંતુ સ્થળ ઉપર હજુ સમસ્યા યથાવત રહેવા પામી છે. જેથી પછાત વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ ઉભી થઈ છે.

આમોદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા નવ વર્ષથી વિસ્તારના રહીશોની રજુઆત સાંભળવામાં આવતી નથી ત્યારે રોગચાળો ફેલાઈ અને કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ.? તે નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. હાલમાં આ વિસ્તારમાં જ ચારથી વધુ વ્યક્તિ બીમાર હોય રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સ્વચ્છતા અભિયાન ચલાવતી નગર પાલિકા પછાત વિસ્તારના રહીશોને ચોખ્ખું પીવાનું પાણી પણ પહોંચાડી શકતી નથી તે એક કરુણતા જ કહેવાય. જોકે, આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરતા જણાવ્યું હતું કે એક બે દિવસમાં જ કામ શરૂ કરવામાં આવશે.

Next Story