ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેથી ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ તેમની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે, માત્ર 2 કોલેજમાં જ BBAનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં અભ્યાસ માટે જતાં ઘણી મુશ્કેલ પડી રહી છે.
VNSGU યુનિવર્સિટી દ્વારા ભરૂચ અને નર્મદા ઝોનમાં આવેલ નર્મદા કોલેજ માટે 150 અને અંકલેશ્વરની કડકીયા કોલેજ માટે 75 મળી કુલ 225 જ સીટ ફાળવવામાં આવી છે. આમ છતાં પણ નર્મદા કોલેજ દ્વારા ચાલતા પોતાના મનસ્વી વહીવટના કારણે 150માંથી માંડ અડધી સીટો પણ ભરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે, જ્યારે વાલીઓને વિદ્યાર્થીઓ કોલેજના એડમિશન કમિટી પાસે આ બાબતે પૂછપરછ કરવા જાય છે, ત્યારે સરખો જવાબ નથી મળતો તેમજ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે. જેથી ભરૂચ જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નર્મદા કોલેજમાં BBA ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલ સીટો પર વિદ્યાર્થીઓને જલ્દી એડમિશન આપવામાં આવે, તેમજ વધુ એક વર્ગખંડની 75 સીટની માંગણી કરવામાં આવી છે. સમગ્ર મામલે આચાર્ય એ.કે.સિંગને રજૂઆત કરતા આચાર્ય દ્વારા કોલેજની અંદર પૂરતા સ્ટાફ અને પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે નર્મદા કોલેજમાં BBA ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી દ્વારા ફાળવેલ 150 સીટમાંથી 75 સીટમાં જ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું. જોકે, NSUI દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.