Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાંચકોની વાહવાહી મેળવતા એક સમયના સાહિત્યકાર વૃદ્ધાવસ્થામાં એકલતાની અટારીએ, વાંચો પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાની કલમે

એકલતા એક મહારોગ છે. માણસ અંદરથી ખવાય છે, ખાલી થઈ જાય છે. આ મહારોગનો હું શિકાર બન્યો છું.

ભરૂચ: વાંચકોની વાહવાહી મેળવતા એક સમયના સાહિત્યકાર વૃદ્ધાવસ્થામાં એકલતાની અટારીએ, વાંચો પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાની કલમે
X

પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાની કલમ

એકલતા એક મહારોગ છે. માણસ અંદરથી ખવાય છે, ખાલી થઈ જાય છે. આ મહારોગનો હું શિકાર બન્યો છું. ન ઇચ્છવા છતાં સુન્ન મારી ગયેલા મગજમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલે છે. ક્યારેક આખું અસ્તિત્વ હચમચાવી મૂકે તેવા વિચારોના ઘમાસાણ માં મગજની નશો ફાટ ફાટ થાય ત્યારે દીવાલ સાથે માથું અફાડી મરી જવાનું મન થાય છે

આ શબ્દો છે જીવનભર વાચકોનો અપાર પ્રેમ અને વાહવાહી મેળવનાર સાહિત્યકાર અને નિવૃત્ત પ્રોફેસરના. તેમના શબ્દે શબ્દમાં એકલતાની પીડા ટપકતી હતી. સાંભળનારને અંદરથી હચમચાવી મૂકે તેવી વૃદ્ધાવસ્થાની વરવી વાસ્તવિકતા જોઈ મેં પોતે આઘાત અનુભવ્યો.

ગુજરાતના આ સાહિત્યકાર અને નિવૃત્ત પ્રોફેસરે તેમની વ્યથા સાથે પત્ર મને લખ્યો હતો. પત્ર વાંચતા મન વ્યાકુળ થઈ ગયું. પત્રમાં વર્ણવેલ વ્યથાએ મને તેમને મળવા મજબુર કર્યો. તેમની મુલાકાત લેતા વૃદ્ધાવસ્થાની આરે ઉભેલા પ્રોફેસરની એકલવાયી જિંદગી જોઈ મન વ્યથિત થઈ ગયું. પ્રોફેસરે તો હજી એકલતાની એક જ બારી ખોલીને તેમની પીડા અને હૃદય પર પડેલ ઘાવ બતાવ્યા હતા. હજી તો આ શરૂઆત હતી. પ્રોફેસર એક પછી એક પોતાના અસ્તિત્વ પર પોતાના એ જ મારેલા ન્હોર થી પડેલા ઉઝરડા બતાવતા ગયા. ઉઝરડાઓ શરીર પર નહોતા, હૃદય પર હતા. કે જયાંથી લોહી નહિ પણ મણ મણ ના પીડા દાયક નિસાસા ટપકતા હતા. આંખમાં આંસુ ન હતા. કારણકે એકલતા ના રણમાં આંસુ પણ સુકાઈ ગયા હતા. પ્રોફેસરના ચશ્માં પાછળની આંખો પણ સાવ કોરી કટાક હતી. જેમાં માત્ર હતાશા અને નિરાશા ટપકતી હતી. તેમની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી સાંત્વન આપવા સહેજ પ્રયાસ કર્યો ત્યાંતો મારા શબ્દો મો માં જ રહી ગયા. કારણકે પ્રોફેસરનો એકલતાથી પીડાતા સંવાદનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો.

અમારા પરિવારની લિલી છમ વાડી હતી. બે દીકરા ને એક દીકરી સાથે પંચ પરમેશ્વર જેવો અમારો પરિવાર હતો. ત્યારે હું મને પોતાને એક નસીબદાર અને સુખી વ્યક્તિ માનતો. પણ ત્યારે ખબર ન હતી કે ભવિષ્યમાં પોતાના જ પારકા બનીને ઘાવ આપશે

પ્રોફેસરનો વેદના સભર અવાજ સાથેનો વાકપ્રવાહ આગળ વધ્યો.અમે બન્ને દીકરાઓ અને દીકરીને લાડ કોડમાં ઉછેરી વિદેશમાં ભણાવ્યા. ડોકટર બનાવ્યા જેઓ નજીકના શહેરમાં ક્લિનિક ધરાવે છે. સાધન સંપન્ન છે. પરંતુ તેમની પાસે અમારી એકલતાને દૂર કરે તેવી કોઈ દવા ન હતી. તેમની પાસે પિતાની ખબર જોવાની ફુરસત નથી.

થોડા વરસો પહેલા મારી પત્નીની તબિયત ખરાબ થઈ. લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવી પડી. લાંબો ચોડો સારવારનો ખર્ચ હતો. પરંતુ પોતાનાઓએ કોઈ મદદ ન કરી. મારો એક સ્ટુડન્ટ અને સહપાઠી મદદે આવ્યા. પત્નીનું મૃત્યુ થયા પછી એકલતાના અજગરે ભરડો લીધો. પોતાના કોઈ દેખરેખ માટે આવતા નથી. એટલે પગારથી કેરટેકર રાખવા પડ્યા છે. એક છોકરો રોજ સવારે આવે છે. દિવસભર મારી કાળજી રાખે છે. એક ભાઈ રાત્રી દરમ્યાન મારી સાથે ઘરમાં રહે છે. એક બાઈ કચરા, પોતું, વાસણ કરે છે. અને બીજી બાઈ રસોઈ બનાવી આપે છે. સરકારનું પેન્શન 70 થી 75 હજાર જેવું આવે છે તેમાંથી ચારે વ્યક્તિઓના પગાર આપું છું.તેમ કહી તેમને પેન્શન આપવા બદલ સરકારનો આભાર માન્યો. પણ સાથે હજી કોઈ પૂર્ણ સમયની કેરટેકર મળે તો સારું . કોઈ વિધવા હોય, આધેડ હોય તેવી મહિલા કેરટેકર તરીકે તૈયાર થાય તો સારું . પત્નીનો દરજ્જો આપવો પડે તો તૈયાર છું. અને તેના માટે તેના પરિવારને જે કઈ રકમ નક્કી કરે તે આપવા પણ તૈયાર છું. તેમ કહી કોઈ આવી મહિલા હોય તો ધ્યાન દોરવા વિનંતી પણ કરી.

પોતાના સંતાનોને માત્ર શહેરની પોસ ગણાતી સોસાયટીના આ બંગલામાં રસ છે તેમ કહી તેમણે ફરી મણ નો નિસાસો નાખ્યો. વેદના સભર વાત તેમણે આગળ વધારી, કે જ્યાં તબીબ સંતાનો રહે છે તે શહેરમાં એક વખત તેમનો સન્માન સમારોહ હતો. તેઓ દીકરાને ત્યાં ગયા અને સન્માન અંગે વાત કરી. દીકરાએ ગર્વ લેવાના સ્થાને રુક્ષતાથી જવાબ આપ્યો મારી પાસે સમય નથી. મને એમ હતું કે તે તેની ગાડીમાં મને લઈ જશે પણ તેના સ્થાને તેણે તો કહી દીધું કે અહીં થી રીક્ષા મળી જશે. તેમાં સન્માન સમારોહમાં જતા રહેજો. બીજા દીકરાએ પણ સાવ ઠંડા કલેજે ન્નનો ભણી દીધો. જે દીકરાઓને માન સન્માન મળે તે માટે એક બાપ તરીકે બધું જ આપ્યું તે જ દીકરાઓએ બાપને મળતા સન્માનનો ગર્વ લેવાની વાત તો દૂર પણ સાવ રુક્ષતાથી બેજવાવદારી પૂર્વક જવાબ આપી દીધો. મારી સ્થિતિતો કાપો તો લોહી ન નીકળે તેવી થઈ હતી. આવા સંતાનો પાસે શુ અપેક્ષા રાખવી ? એમ કહી વધુ એક વખત ગરમ નિસાસો નાખ્યો જે મારા અસ્તિત્વને દઝાડી ગયો.

બદલાતા સમયની આ તાસીર છે. સંતાનોને હવે વૃદ્ધ માતા પિતા ગમતા નથી. એટલે ઘરડા ઘરો વૃદ્ધોથી ઉભરાય છે. ક્યાંક વૃદ્ધો છતાં સંતાને એકલતાનો ભોગ બની રિબાઈને જીવે છે. મારું મન પ્રોફેસર પ્રત્યે અનુકમ્પાથી ભરાઈ ગયું. મનમાં વેદનાનો સણકો ઉઠ્યો. પણ મનમાં એક વાત એ પણ ઉઠી કે જો પ્રોફેસરને પેન્શન ન મળતું હોત તો ?

પ્રોફેસરને પેન્શન ન મળતું હોત તો તેઓ પગાર આપીને પારકાને પોતાના ન બનાવી શક્યા હોત. પેન્શન ન મળતું હોત તો ચાર વ્યક્તિઓના પરિવારને આજીવિકા ન મળી હોત. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ કે પેન્શન ન મળતું હોત તો એકલતાના ભાર હેઠળ નિવૃત્ત પ્રોફેસરનું જીવન વૃદ્ધાવસ્થામાં દોઝખ જેવું બની ગયું હોત. પહેલા સરકારમાં પેન્શન યોજના હતી એટલે નિવૃત્ત કર્મચારી કે અધિકારી નિવૃત્તિ પછી વૃદ્ધાવસ્થામાં એકલવાયા હોય કે ન હોય સન્માન પૂર્વક જીવી શકતા હતા. આવા તો હજારો પેન્શનરો છે જેઓ એકલવાયું જીવન જીવે છે. અને કોઈનો આધાર પણ બન્યા છે.

સરકારની પેન્શન યોજના સરકારી કર્મચારી માટે વૃદ્ધાવસ્થાની લાકડી બની શકે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે પેન્શનના મહત્વને અવગણીને બંધ કરી દીધું છે. જેની માઠી અસર નિવૃત્ત કર્મચારીઓના જીવન ઉપર ઉભી થવાની સંભાવના છે. સરકારે સંવેદનશીલ બની પેન્શન યોજનાને પુન: સ્થાપિત કરવી જોઈએ જેથી કોઈ સરકારી કર્મચારીની વૃદ્ધાવસ્થા પરવશ ન બની જાય. એટલું જ નહીં પેન્શન ન મળે તો પેન્શનરો ના આધારે તેમની સંભાળ લેનાર કેરટેકરોની આજીવિકા પણ બંધ થઈ જાય.

મારી સંવેદનશીલ સરકારને પ્રાર્થના છે કે લાખો સરકારી કર્મચારીઓની વૃદ્ધાવસ્થા અને સમાજ જીવનને સુરક્ષિત રાખવા પેન્શન યોજનાને ફરી સ્થાપિત કરે..

આ તો પ્રોફેસરનો એક કિસ્સો છે. આવા અનેક કિસ્સાઓ મારા ધ્યાનમાં અને જાણમાં છે. જેમાં કોઈ આઈએએસ, આઇપીએસ જેવા સનદી અધિકારીઓ છે. મામલતદાર છે, મહેસુલ અધિકારી છે, અને પ્રોફેસરથી લઈ પટાવાળા સુધીના સરકારી અધિકારી અને કર્મચારીઓના જીવનની વેદનાને મેં નજીકથી નિહાળી છે. તેમના દુઃખમાં ભાગીદાર બનવાના પ્રયાસ કર્યા છે. આ બધાના જીવનની વ્યથાને જોયા પછી એમ લાગ્યું કે જો સરકારે પેન્શન ન આપ્યું હોત તો આ રિટાયર્ડ અધિકારી અને કર્મચારી ખુદ પોતાની જિંદગીથી ટાયર્ડ થઈ ગયા હોત. કોઈએ પીડાઓ, હતાશાઓ અને સમસ્યાઓના પહાડના ભાર નીચે પોતાનું જીવન ટૂંકાવી લીધું હોત. સરકારનું પેન્શન આવા અધિકારીઓના જીવનનો આધાર બન્યું છે.

સરકારે પેન્શન યોજના બંધ કરી છે તેવા સમયે મારે એટલું જ કહેવું છે કે સરકારે પેન્શનથી સરકારની તિજોરી પર પડતા ભાર ને ધ્યાનમાં ન લેવો જોઈએ. તેના સ્થાને લાખો અધિકારી અને કર્મચારીઓના વૃદ્ધાવસ્થાના દિવસોમાં પોતાનાઓએ અવગણતાં અથવા કુદરતની કોઈ ઘટના કે દુર્ઘટનામાં ભાર રૂપ બનતા જીવનને ધ્યાનમાં રાખવું જોઈએ. જેમણે સરકારને એક અધિકારી કે કર્મચારી તરીકે પોતાના જીવનના મહત્વના વર્ષો સમર્પિત કર્યા હોય તેમની વૃદ્ધાવસ્થાની લાકડી છીનવી લેવાના સ્થાને સંવેદના બતાવી સંવેદનશીલ સરકારે પેન્શન યોજનાને પુન: સ્થાપિત કરવી જોઈએ.

Next Story