/connect-gujarat/media/post_banners/6f1cce486b0c8aa530e034905e5042b4f8d614284e350a3d453a30868013627a.jpg)
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. સામ્રાજ્ય સોસાયટી પાસે 2 કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન થયેલા અલગ અલગ અકસ્માતોમાં 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે મંગળવારના રોજ ભરૂચ-અંકલેશ્વર રોડ પર અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર એકબીજા સાથે ભટકાઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટોલ ટેક્સ બચાવવાના ચક્કરમાં મોટા પ્રમાણમાં વાહનચાલકો અંકલેશ્વરના ગડખોલ પાટિયા થઈને ભરૂચ તરફ જવાનો માર્ગ પસંદ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ માર્ગ પરથી ફક્ત મોટા સરકારી વાહનોને જ અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત ખાનગી મોટા વાહનોને પ્રતિબંધ હોવા છતાં કેટલાક મોટા વાહનચાલકો જાણે પોલીસનો ડર રાખ્યા વિના આ માર્ગ પરથી બેરોકટોક પસાર થઈ રહ્યા છે, ત્યારે હવે અહીના મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોને જોતાં વહીવટી તંત્ર અહીં પણ એક્સિડન્ટ ઝોનનું પાટિયું લગાવી દે તેમ લાગી રહ્યું છે.