Connect Gujarat
ભરૂચ

ગુજરાતના વિકાસને મળશે "એકસપ્રેસ" વેગ, ત્રણ હાઇવેની કામગીરી પુરજોશમાં

મુંબઇ અને દિલ્હીને જોડતાં એકસપ્રેસ હાઇવેની ગુજરાતમાં ચાલતી કામગીરીના નિરિક્ષણ માટે નિતિન ગડકરી આવ્યાં હતાં

ગુજરાતના વિકાસને મળશે એકસપ્રેસ વેગ, ત્રણ હાઇવેની કામગીરી પુરજોશમાં
X

મુંબઇ અને દિલ્હીને જોડતાં એકસપ્રેસ હાઇવેની ગુજરાતમાં ચાલતી કામગીરીના નિરિક્ષણ માટે શુક્રવારના રોજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી આવ્યાં હતાં. તેમણે ભરૂચ ખાતે નર્મદા નદી પર બનેલા નવા બ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ એકસપ્રેસ હાઇવે બની રહયાં છે જેના કારણે ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 423 કિલોમીટરનો 8 લેનનો એક્સપ્રેસ-વે કુલ રૂ. 35,100 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 390 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવ્યો છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે. દિલ્હી-વડોદરા વિભાગ અને વડોદરા-મુંબઈ વિભાગ રાજ્યમાંથી પસાર થશે. ગુજરાત દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર છે અને દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડના નગરો અને શહેરોને જોડાણ પૂરું પાડવા માટે રાજ્યભરમાં અનેક આંતર -પરિવર્તનની યોજના બનાવવામાં આવી છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાત રાજ્યમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 રેલ્વે ઓવરબ્રીજનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર એક્સપ્રેસ વેનો એક મોટો વિભાગ, વડોદરા-અંકલેશ્વરનો 100 કિમીનો વિભાગ બાંધકામના અદ્યતન તબક્કામાં છે અને માર્ચ 2022 સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. માર્ચ 2023 સુધીમાં અંકલેશ્વરથી તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 2 કિલોમીટર લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ, એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ 8-લેન પુલ હશે. આનાથી ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ વે વિકાસની ઓળખને નવી ગતિ મળશે. રાજ્યમાં રોજગારીની તકો ઉભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 33 રોડસાઇડ ફેસિલિટીઝ (WSAs) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની સાથે સાથે ગુજરાતમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે બની રહ્યો છે, જે 762 કિલોમીટરનો 6 લેનનો એક્સપ્રેસ વે હશે. આ 19,000 કરોડા રૂપિયાના ખર્ચે બનનાર આ એક્સપ્રેસ વેથી કંડલા પોર્ટનું મહત્વ વધી જશે. આ એક્સપ્રેસ વે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડશે. જેમાં ગુજરાતમાં 126 કિલોમીટરનો એક્સપ્રેસ વે બનશે. આવનારા દોઢ વર્ષમાં તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ત્રીજો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે 3000 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે, જે 109 કિલોમીટર લાંબો હશે. જે ગુજરાત માટે ઘણો મહત્વનો છે. ગુજરાતમાં આશરે 25000 કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ યોજના બનાવી રહ્યા છીએ.

Next Story