Connect Gujarat
ભરૂચ

વિધવા સહાયના રૂ. 5 હજાર કરવાની માંગ સાથે ભરૂચ-નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવાયું...

વિધવા સહાયની રકમ 1250 રૂપિયા ના બદલે હવે 5 હજાર દર માસે મળવી જોઈએ. જે સીધા વિધવા બહેનના બેન્ક એકાઉન્ટમાં જમા થાય,

વિધવા સહાયના રૂ. 5 હજાર કરવાની માંગ સાથે ભરૂચ-નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવાયું...
X

રાજ્યમાં વિધવા સહાય યોજનામાં રૂપિયા 5 હજાર સુધીની સહાય નક્કી કરવા તેમજ યોજનાને સરળીકરણ કરવા બાબતે ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું. ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદન પત્રના જણાવ્યા અનુસાર, વિધવા સહાય યોજનામાં 5 હજાર સુધીની સહાય નક્કી કરવા તેમજ યોજનામાં રહેલ અવરોધરૂપ મુદ્દાઓ અંગે સંવેદનશીલ સરકાર દ્વારા નિતીવિષયક સકારાત્મક નિર્ણય લેવા અગાઉ વર્ષ 2018માં ભરૂચ જીલ્લાના 9 તાલુકામાં વિધવા બહેનોના 18 જેટલા સંમેલનો યોજાયા હતા.

જોકે, એમાં ચોકાવનારી એવી બાબત બહાર આવી હતી કે, 40 ટકા કરતાં વધુ વિધવા બહેનો દારૂના દૈત્યને પગલે પતિ ગુમાવી વિધવા થયેલ છે. તા. 30/12/2018ના રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે અસંગઠિત વિધવા બહેનોનું મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જીલ્લાની 30 હજાર કરતાં વધુ વિધવા બહેનો સ્વખર્ચે સ્વયંભુ પોતાના હક્કની માંગણી માટે ઉમટી પડી હતી. વિધવા બહેનોની પેન્શન યોજનાના સરળીકરણ માટેના ઠરાવનું વાંચન કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો. જેને ગુજરાત સરકારે ધ્યાનમાં લઇ વર્ષ 2019ના બજેટમાં 80 ટકા અવરોધરૂપ મુદ્દાઓ દૂર કરવા સકારાત્મક નિર્ણય લઇ અને માંગણીઓ સ્વીકારી હતી.

પરંતુ આ યોજનામાં હજુ પણ અવરોધરૂપ મુદ્દાઓનો હકારાત્મક નિર્ણય લઇને યોજનાનું સરળીકરણ કરવામાં આવે તો ભરૂચ જીલ્લાની બાકી 60 હજાર કરતા વધુ વિધવા બહેનો તેમજ ગુજરાતની 38 લાખ કરતાં વધુ વિધવા બહેનોને આ યોજનાનો લાભ મળી શકે છે. જેથી આ બહેનો પોતાનું જીવન સ્વમાનભેર જીવી શકે તેમ છે, ત્યારે અવરોધરૂપ મુદ્દાઓમાં વિધવા બહેનોની આવક મર્યાદા દૂર કરવી જોઈએ, વિધવા સહાય માટેનું એફિડેવિટ રદ્દ કરી ગ્રામ પંચાયત કક્ષાએથી તલાટી દ્વારા ફોર્મ ભરવામાં આવે તેમ સુધારો કરીને દરેક ગ્રામ પંચાયત તેનો અમલ કરે તેવો પરિપત્ર કરવો, તેમજ સરકાર દ્વારા એક મહિનાનો કાર્યક્રમ આપી તલાટી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના અરજી પત્રક ભરવાનું અભિયાન હાથ ધરવામાં આવે,

વિધવા સહાયની રકમ 1250 રૂપિયા ના બદલે હવે 5 હજાર દર માસે મળવી જોઈએ. જે સીધા વિધવા બહેનના બેન્ક એકાઉન્ટમાં જમા થાય, વિધવા બહેનોના બાળકોને મફત શિક્ષણ, વિધવા બહેનને તમામ સ્વાસ્થ્ય લક્ષી સેવાઓ નિઃશુલ્ક, સાથે જ તા. 20મી સપ્ટેમ્બર, તા. 29 અથવા 30 ડિસેમ્બર કે. 9મી જાન્યુઆરી આ તમામ 4 દિવસોમાંથી કોઈપણ એક દિવસને "વિશ્વ વિધવા દિન" તરીકેની જાહેરાત કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને યુનોમાં રજૂઆત કરવા માટે ભલામણ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. જેથી વિધવા બહેનો સ્વમાનભેર પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે આવેદન પત્ર પાઠવવા માટે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story