Connect Gujarat
બ્લોગ

બ્લોગ બાય જય વ્યાસ:- ગણેશ મહોત્સવ દેખાદેખી માટેનો દંભ નથી પણ એક તાંતણે બંધાવાનો અવસર છે !

શોભાયાત્રાને "વરઘોડા શબ્દથી પ્રયોજે છે જે ખોટું છે. તમે ગણેશજીને પરણાવા નથી લઈ જતા !

બ્લોગ બાય જય વ્યાસ:- ગણેશ મહોત્સવ દેખાદેખી માટેનો દંભ નથી પણ એક તાંતણે બંધાવાનો અવસર છે !
X

તું કરે એના કરતા હું વધારે કરીશ...આ વખતે આપણે XYZ ગણેશ મંડળને બતાવી દઇશું કે આપણામાં કેટલી એક્તા છે.આવો વરઘોડો તો કોઈએ ક્યારેય નઇ જોયો હોય. (વરઘોડો શબ્દ મે એટલા માટે લખ્યો કે બધા જ શોભાયાત્રાને "વરઘોડા શબ્દથી પ્રયોજે છે જે ખોટું છે. તમે ગણેશજીને પરણાવા નથી લઈ જતા !)

આવા જ શબ્દો મે જાતે અનેક આગેવાનો અને યુવાનોના મુખમાંથી સાંભળ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે ગણેશ મહોત્સવ માત્ર દેખાદેખી માટેનો દંભ છે ? જે મે મારા ટાઈટલમાં લખ્યું જ છે. આજે ગણેશ મહોત્સવ તેની મધ્યકક્ષાએ પહોચવા આવ્યો છે અને ચાર દિવસ પૂર્ણ થવા પર છે. આ દિવસોમાં ગણેશ ભક્તોની આસ્થા સાથે મે જાતે દેખાદેખી વધુ જોઈ છે મહેસૂસ કરી છે. હું ઇલાવ જેવા નાનકડા ગામનો રહેવાસી છું પણ ભણ્યો ગણ્યો શહેરમાં પણ બાદમાં પારિવારિક કારણોસર ઇલાવમાં આવીને વસ્યો અને પત્રકારત્વ જેવા પડકાર જનક વ્યવસાયને અપનાવ્યો અનેક વર્ષોથી મે મહેસુસ કર્યું છે અને અનુભવ્યું છે કે ગણેશ મહોત્સવ દેખાદેખી પૂરતો જ સીમિત રહી ગયો છે. ગામડાઓમાં શેરીએ શેરીએ,શહેરોમાં સોસાયટી સોસાયટીએ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દશ દિવસ સુધી પૂજન અર્ચન કરવામાં આવે છે. આ બાબત ઘણી સારી છે કે દરેક લોકો હિન્દુ ધર્મની આસ્થા,મહત્વ અને સાંસ્ક્રુતિક વારસો ટકાવી રાખવા ભગવાનને પોતાના ઘરે બિરાજમાન કરે છે પરંતુ ગણેશ મહોત્સવ ઉજવાવવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એક તાંતણે બંધાવાનો હતો.

બાળગંગાધર તિલકે અંગ્રેજોએ સામે લડવા માટે સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરાવી હતી જેમાં ભારતીય નાગરિકો સાથે જોડાય અને આઝાદીને ચળવળને વેગ મળે એ પ્રકારનો હેતુ હતો પરંતુ આજે આ હેતુ જ દેખાદેખીમાં ભૂલાય ગયો છે. એક નાનકડા ગામ કે શહેરમાં ઠેર ઠેર શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન થાય છે જેના કારણે બધા જ મારી સોસાયટી,મારી શેરી અને મારા ફળિયાના ગણપતિ આ ભાવ હવે જાગવા લાગ્યો છે.

હું હિન્દુ ધર્મનો કે રાષ્ટ્રવાદનો ક્યારેય પણ વિરોધી નથી. પરંતુ ધર્મના નામે અતિરેક આવું તો ન જ હોવું જોઈએ. આ સિવાય અન્ય એક ટ્રેન્ડ ચાલ્યો છે ગણેશજીની પ્રતિમાના આગમન સમયે ડી.જે.ના ધૂમધડાકા સાથે જગનધડાકો કરવાનો... આખા ગામ અને શહેરને બાનમાં લો એ રીતે આપણે ગણેશજીની પધરામણી કરીએ છીએ અને ઉપરથી કહીયે છીએ કે ભગવાન અમારા તમામ વિઘ્નો દૂર કરજો પણ આપણે જ આરીતે દેખાદેખીમાં અન્યના જીવનમાં (ટ્રાફિક ઉત્પન્ન કરીને, ડી.જે.ના ધબકારા વધારી દેતા અવાજથી બીમાર અને નાના બાળકોને હેરાન કરીને,પૈસાનો વ્યય કરીને) વિઘ્ન ઉત્પન્ન કરીએ છે તો વિઘ્નહર્તા આપનું વિઘ્ન કઈ રીતે દૂર કરશે?

અંગ્રેજોએ ભાગલા પાડો રાજ કારોની નીતિ અપનાવી ભારત દેશ પર રાજ કર્યું ત્યાર બાદ બાળ ગંગાધર તિલકે સાર્વજનિક ગણેશ મહોત્સવના માધ્યમથી લોકોને એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો અને હવે આપણે જાતે જ અંગ્રેજોની માફક વર્તી આપણી વચ્ચે ભાગલા પાડી રહ્યા છે. મારૂ અંગત મંતવ્ય એ છે કે ગામ દીઠ એક ગણપતિ, વિસ્તાર પ્રમાણે એક ગણપતિ.. આ અભિગમના કારણે આપણે એક તાંતણે બંધાશું.. ભગવાનની ભક્તિ પણ થશે અને ધર્મ પણ મજબૂત બનશે... લોકોને જોડવા માટેનો એક પ્રયાસ છે

જય હિન્દ

જય ગણેશ

આ લેખકના અંગત વિચાર છે..

બ્લોગ બાય:- જય વ્યાસ

Next Story