Connect Gujarat
ગુજરાત

ગુજરાતને હજી પાંચ દિવસ ઘમરોળશે મેઘરાજા, 8 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ મુસીબત રૂપ બની ગયો છે.

X

રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ મુસીબત રૂપ બની ગયો છે. લોકોના જીવને જોખમ પહોચ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી 5 દિવસ હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે 8 જિલ્લાને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં 11 જુલાઈ સુધી સિઝનનો સરેરાશ 41% વરસાદ નોંધાયો છે.

CM ભૂપેન્દ્ર પટેલ આજે દોઢ વાગ્યે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.હવામાન વિભાગે 12મી જુલાઈના સવારે 8.30 વાગ્યાથી 13મી જુલાઈના સવારે 8.30 વાગ્યાની એટલે કે 24 કલાકની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે.

રાજ્યમાં મેઘમહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે. 24 કલાકમાં 11 ઝૂંપડાં પણ બરબાદ થઈ ગયાં છે. અત્યારસુધી કુલ 272 પશુનાં વરસાદથી મૃત્યુ થયા છે તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દિવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોનાં મૃત્યુ તેમજ વીજપોલ પડી જતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાંથી 468 નાગરિક ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટીતંત્ર અને નાગરિકો સાથે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 18-18 ટીમ તૈનાત છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર, આ ટીમ સત્વર પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.

Next Story