યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા છે. જેની અસર ભારતમાં તેલની કિંમતો પર પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આવું જ ચાલતું રહ્યું તો પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ક્રૂડ ઓઈલની કિંમત હાલમાં રેકોર્ડ સ્તર પર છે. પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલની કિંમત 100 ડોલર પર પહોંચી ગઈ છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 4.30 ટકાનો વધારો થયો છે. જે બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 102.14 ડોલર પ્રતિ બેરલ અને WTI 96.15 ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગઈ છે.4 સપ્ટેમ્બર 2014 પછી પહેલીવાર 24 ફેબ્રુઆરીએ ભારતે 100 ડોલર ના દરે ક્રૂડ ઓઈલ ખરીદવું પડ્યું હતું.રશિયા અને યુક્રેન વચ્ચેના સંકટને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે. રશિયા વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે.ફેબ્રુઆરીમાં ભારતીય ક્રૂડ ઓઈલ બાસ્કેટની સરેરાશ કિંમત 93 ડોલર પ્રતિ બેરલ હતી. જે જાન્યુઆરી સરખામણીએ 10 ટકા વધુ છે. જાન્યુઆરીમાં સરેરાશ કિંમત 84.2 ડોલર પ્રતિ બેરલ હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે પરંતુ દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલ ની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગરમાં છે ત્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.