Connect Gujarat
ધર્મ દર્શન 

સુરેન્દ્રનગર : ઝીંઝુવાડાના ઝીલકેશ્વર મહાદેવ તીર્થકુંડમાં ગુપ્ત રીતે આવતો સરસ્વતીનો પ્રવાહ

આ કૂંડ ચારે તરફ પથ્થરથી પગથિયાં સહિત બાંધેલો છે. કૂંડની પ્રદક્ષિણા કરવા માટે 6 ફૂટ જેટલી પહોંળાઇનો પથ્થરનો રસ્તો પણ બનાવેલો છે.

સુરેન્દ્રનગર : ઝીંઝુવાડાના ઝીલકેશ્વર મહાદેવ તીર્થકુંડમાં ગુપ્ત રીતે આવતો સરસ્વતીનો પ્રવાહ
X

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાથી 2 માઇલ દૂર દક્ષિણમાં કચ્છના નાના રણની અંદરના ભાગે ઝીલકેશ્વર મહાદેવના નામે કૂંડ આવેલો છે. આ કૂંડ ચારે તરફ પથ્થરથી પગથિયાં સહિત બાંધેલો છે. કૂંડની પ્રદક્ષિણા કરવા માટે 6 ફૂટ જેટલી પહોંળાઇનો પથ્થરનો રસ્તો પણ બનાવેલો છે. કૂંડના અંદર ચારે તરફ પગથિયાં બનાવેલા છે. આ કૂંડના પૂર્વના ભાગે ઝીલકેશ્વર મહાદેવનું દેવળ આવેલુ છે. અહીં ભગવાન શંકરના મંદિરની દક્ષિણ બાજુમાં થઇને ગુપ્ત રીતે થઇને સરસ્વતીનો પ્રવાહ આ કૂંડમાં આવે છે. આ પાણી થોડે દૂર જઇ જમીનમાં સમાઇ જાય છે. આ કૂંડ લંબચોરસ છે અને કૂંડનું પાણી મીઠું છે. પૂર્વ-પશ્વિમ લંબાઇમાં 400 ફૂટ અને ઉત્તર-દક્ષિણ પહોળાઇમાં 250 ફૂટ છે. હમણા આ કૂંડમાંથી એક લાંબો શિલાલેખ જૂની કોઇ લિપીનો મળી આવ્યો હતો. અહીં કૂંડ નજીક આશરે પાંચસો જેટલા સુરાપુરાના પાળીયા આવેલા છે. ઘણા વર્ષો પહેલા અહીં યુદ્ધ થયું હતુ. લિપી ઘસાઇ જવાથી ઉકેલી શકાતી નથી.

પાટણના મહારાજા સિધ્ધરાજ જયસિંહદેવના રાજ્ય અમલ દરમિયાન કોઇ બ્રાહ્મણ પંડીતે પાટણના સહસ્ત્રલિંગ તળાવ અંગે સવિસ્તાર વર્ણન કરેલુ છે. એમાં પણ ઝીલકેશ્વર કૂંડનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ સરસ્વતી પુરાણમાં ઝીલકાતીર્થ કુંડનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ઝીલકેશ્વર કુંડમાં સરસ્વતીનો ગુપ્ત પ્રવાહ આવે છે. આ પ્રવાહ અહીંથી ગુપ્ત રીતે પ્રાચી પીપળે થઇને પ્રભાસ ક્ષેત્રમાં આવીને દરિયાને મળી જાય છે. ઝીલેશ્વરથી બીડમાં દોઢ-બે કિ.મી.ઉપર ભોટવાનો કૂંડ, નલેશ્વર કૂંડ, ગાયની ખરી અને બાળગંગા એમ પંચતીર્થમાં સજીવન પાણી આવતુ હતુ અને રાત-દિવસ આ પ્રવાહ ચાલતો રહેતો હતો. એમાય ભોટેશ્વર કૂંડમાં પાણી ઉછળતુ જમીનમાંથી બહાર આવતુ અને બહાર ફેંકાઇ જતુ હતુ. જ્યારે નળેશ્વર કૂંડ પણ પથ્થરથી બાંધેલો કૂંડ છે. એમ કહેવાતુ હતુ કે, નળરાજા જ્યારે વનવાસમાં રહેલા, ત્યારે અહીં જંગલમાં વનવાસ ભોગવેલો. તેમની સાથે દમયંતી રાણી પણ હતી. દમયંતીને હાથમાં પદ્મ હતુ. એક વખત તળાવમાં માછલ‍ પકડીને દમયંતીને આપેલા તે મરેલા માછલા સજીવન થઇ જતા તેની યાદગીરીમાં અહીં નળેશ્વર કુંડ બંધાવવામાં આવ્યો હતો. ગાયની ખરીમાં પણ અવિરતપણે પ્રવાહ ચાલુ રહેતો. એક ડુંગરમાંથી પાણીનો પ્રવાહ શરૂ થતો અને અહીં પણ જાત્રાળુઓ સ્નાન કરવા આવતા હતા. બાળગંગામાં પણ પાણીનો પ્રવાહ અવિરત વહેતો હતો. અત્યારે કાળે કરીને દરેક તીર્થમાંથી પાણીનો પ્રવાહ બંધ થઇ ગયો છે. ઝીંઝુવાડાના વેરાન રણમાં આવેલા આ ઐતિહાસિક પંચતીર્થમાં પવિત્ર શ્રાવણ માસમાં અને શિવરાત્રીના પર્વ પર ગુજરાત ભરમાંથી શ્રધ્ધાળુઓ આસ્થાભેર અહીં જાત્રા કરવા અચૂક આવે છે.

Next Story