Connect Gujarat
શિક્ષણ

ડાંગ : આહવા ખાતે "શિક્ષક સન્માન સમારોહ" યોજાયો, શિક્ષણ મંત્રીએ આપ્યું ચિંતનિય વકતવ્ય...

ડો.કુબેરભાઈ ડિંડોરે શિક્ષણ આલમને ભ્રામક પ્રચારથી બદનામ કરનારા કેટલાક વાંક દેખાઓને જડબાતોડ જવાબ આપવા માટે શિક્ષકોને સતત જાગૃત રહેવાનો અનુરોધ કર્યો

ડાંગ : આહવા ખાતે શિક્ષક સન્માન સમારોહ યોજાયો, શિક્ષણ મંત્રીએ આપ્યું ચિંતનિય વકતવ્ય...
X

શિક્ષણ એ જ મનુષ્યની સાચી સંપત્તિ છે તેમ જણાવતા રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે શિક્ષણથી જ વ્યક્તિ, અને વ્યક્તિથી સમાજ તથા રાષ્ટ્રનું ઘડતર થાય છે, ત્યારે શિક્ષકોની જવાબદારી ખૂબ વધી જાય છે તેમ આહવા ખાતે જણાવ્યુ હતું. આહવા ખાતે આયોજિત શિક્ષક સન્માન સમારોહમાં પધારેલા રાજ્યના શિક્ષણ મંત્રીએ તેમના ચિંતનિય વક્તવ્યમાં રાષ્ટ્ર નિર્માણની બુનિયાદમાં શિક્ષણ અને શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન છે ત્યારે, શિક્ષકનું ચિત્ર અને ચરિત્ર બંને સ્વચ્છ હોવા ખૂબ જરૂરી છે તેમ પણ કહ્યું હતું.

શિક્ષણને ઉજાળવા માટે શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ, અને વાલીઓએ પણ સહિયારા પ્રયાસો કરવા પડશે તેમ કહેતા શિક્ષણ મંત્રીએ સમર્પિત શિક્ષકો સન્માનના અધિકારી છે, તેમ જણાવી શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા એ ચાણક્યના સુવાક્યને ચરિતાર્થ કરવા માટે, શિક્ષકે પરિશ્રમની પારાશીશીમાંથી પસાર થવું પડે છે તેમ જણાવ્યુ હતું.

નવી શિક્ષણ નીતિ વ્યક્તિને આત્મનિર્ભર બનાવશે તેમ જણાવતા ડો.કુબેરભાઈ ડિંડોરે શિક્ષણ આલમને ભ્રામક પ્રચારથી બદનામ કરનારા કેટલાક વાંક દેખાઓને જડબાતોડ જવાબ આપવા માટે શિક્ષકોને સતત જાગૃત રહેવાનો અનુરોધ કર્યો હતો. શિક્ષણની ગુણવત્તા સાથે શૈક્ષણિક ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનો સાથે તાલમેલ સાધી, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે શિક્ષક આલમ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપે તે આવશ્યક છે તેમ પણ તેમણે કહ્યું હતું.

ભાવિ પેઢી સમાન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પિછાણી તેમને આદર્શ નાગરીક બનાવવાનું પુણ્યકાર્ય શિક્ષકોના શીરે છે, ત્યારે શિક્ષક એ સમાજ ઘડતરનો શિલ્પી પણ છે, અને સેવક પણ છે તેમ તેમણે ઉમેર્યું હતું. ચિંતનિય વક્તવ્ય આપતા મંત્રીએ સમાજના સહયોગ સાથે શિક્ષણ ક્ષેત્રને વધુ ગુણવત્તાસભર બનાવવાની પણ અપીલ કરી હતી. ડાંગ જિલ્લાના શિક્ષણ જગતના સન્માન માટે રાજ્યના શિક્ષણ મંત્રી પધાર્યા છે તે સમગ્ર ડાંગ માટે ગૌરવની ઘટના છે તેમ જણાવતાં ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે, ડાંગને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર કરનારા શિક્ષકો, ગુરુજનોની કર્તવ્ય ભાવનાને બિરદાવી હતી.

Next Story