અમદાવાદમાં વૃદ્ધ પટેલ દંપતિની તેમનાજ આલીશાન બંગલામાં કરપીણ હત્યા, લુંટ વિથ મર્ડરની આશંકા

અમદાવાદના અનેક બંગલાઓમાં વૃધ્ધ દંપતિઓ એકલવાયુ જીવન ગુજારતાં હોય છે. હાલમાં જ આવા દંપત્તિઓને નિશાન બનાવી લુંટ ચલાવતી ગેંગ સક્રિય બની છે અને સોલાના શાંતિવન પેલેસમાં દંપત્તિની હત્યા કરી લુંટ ચલાવવામાં આવી છે...
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસમાં સવારમાં લૂંટના ઈરાદે અશોક પટેલ અને જ્યોત્સના પટેલ નામના દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે બનેલી આ ઘટના લુંટ વીથ મર્ડર હોવાની શકયતાઓ વધારે લાગી રહી છે. અશોક પટેલ અને જયોત્સના પટેલનો પુત્ર વિદેશમાં સ્થાયી થયો છે. પટેલ દંપત્તિ બંગલામાં તેમના ઘરઘાટી સાથે રહેતાં હતાં. દંપત્તિની હત્યામાં પ્રથમ ઘરઘાટીની સંડોવણી હોવાની શકયતાઓ જોવાય રહી હતી પણ તે ઘરમાંથી જ મળી આવ્યો છે. સમગ્ર ઘટનાને અંજામ આપતાં પહેલાં આરોપીઓએ રેકી કરી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. બંગલામાં રહેતાં અશોક પટેલ સવારના સમયે તેમના નિત્યક્રમ મુજબ બંગલાની બહાર કાર સાફ કરી રહયાં હોવાનું પાડોશીઓએ જણાવ્યું હતું. થોડીવાર ચોકીદારે અશોકભાઇના ઘરમાં કઇ બન્યું હોવાની જાણ કરતાં પાડોશીઓ દોડી આવ્યાં હતાં. પાડોશીઓ અને ચોકીદારોએ બંગલામાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડયો હતો. નીચેના બેડરૂમમાં કાકા લોહીથી લથબથ હાલતમાં હતા અને કાકી સીડીમાં પડેલા હતા. ઉલ્લેખનીય છે કે તેમનો દીકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે તેમજ મૃતક દંપતી પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતું. તેમનો ઘરઘાટી હાલ અહીં જ છે. એ ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે. તેમની દીકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે.મૃતક જ્યોત્સનાબેન રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રફૂલ્લ પટેલના પારિવારિક બહેન હોવાનું સામે આવ્યું છે. પ્રથમ નજરમાં જાણભેદુઓએ લુંટના ઇરાદે દંપત્તિની હત્યા કરી હોવાનું લાગી રહયું છે.