Connect Gujarat
મનોરંજન 

મુંબઈ ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડા; ડ્રગ પાર્ટીમાં શાહરૂખના પુત્રની અટકાયત

મુંબઈ ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડા; ડ્રગ પાર્ટીમાં શાહરૂખના પુત્રની અટકાયત
X

મુંબઈની પાસે સમુદ્રમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધીના સૌથી મોટા દરોડાની કાર્યવાહી કરી છે. એક મોટા અભિનેતાના પુત્ર અને ત્રણ યુવતીઓ સહિત 13 લોકોની અટકાયત કરાઈ હતી, તેમાંથી 8 લોકોની ધરપકડ કરાઈ છે. અટકાયત કરાયેલા એક્ટરના પુત્રનો ખુલાસો કરાયો નથી, પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તે આર્યન ખાન જ છે. NCBએ આ દરોડા કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામના શિપ પર દરોડા પાડ્યા છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB પૂછપરછ કરી રહી છે.

NCBની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પણ ડ્રગ્સ મળી આવ્યું છે તે MD કોક અને હશિસ છે.

મળેલી માહિતી પ્રમાણે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓ પોતાની ટીમ સાથે મુંબઈમાં આ શિપ પર સવાર થઈ ગયા હતા. જોકે જ્યારે શિપ મધદરિયે પહોંચ્યું ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ રહેલા લોકો નજર આવ્યા હતા અને ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગત અઠવાડિયે ગેબ્રિએલાનાં ભાઇ એગિસિલોસની થઇ હતી ધરપકડ- ગયા અઠવાડિયે જ એનસીબીની મુંબઈ અને ગોવા ટીમોએ સંયુક્ત ઓપરેશનમાં બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલની લિવ ઇન પાર્ટનર ગેબ્રીએલા ડેમેટ્રીએડ્સના ભાઈની ડ્રગ્સના કેસમાં ગોવાથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્યુરોએ તેની પાસેથી ચરસ પણ જપ્ત કર્યુ છે. ગેબ્રિએલાનો ભાઈ એગિસિલોસ ડેમેટ્રીએડ્સ સાઉથ આફ્રિકાની સિટીઝનશિપ ધરાવે છે. તેની ગત વર્ષે પણ NCB દ્વારા ડ્રગ્સ કેસમાં જ ધરપકડ કરવામાં આવી હતી.

જૂન 2020માં સુશાંતનાં કર્મચારીઓ અને રિયાની થઇ હતી ધરપકડ- NCB એ જૂન મહિનામાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવૂડમાં ડ્રગ્સ સાથે સંકળાયેલી વોટ્સએપ ચેટ્સના આધારે કથિત ડ્રગના ઉપયોગની તપાસ શરૂ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ અગાઉ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, તેમજ સુશાંત સિંહ રાજપૂતનાં જ કેટલાંક કર્મચારીઓ અને અન્ય કેટલાંક લોકોની નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરી હતી. રિયા ચક્રવર્તી અને અન્ય કેટલાક આરોપીઓ હાલ જામીન પર બહાર છે.

Next Story