Connect Gujarat
Featured

રાજયની છ મહાનગરપાલિકાઓમાં સરેરાશ 41.75 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ જયારે અમદાવાદમાં સૌથી ઓછું મતદાન

રાજયની છ મહાનગરપાલિકાઓમાં સરેરાશ 41.75 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ જયારે અમદાવાદમાં સૌથી ઓછું મતદાન
X

રાજયમાં 6 મહાનગરપાલિકાઓ માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ હતી. તમામ છ મહાનગરપાલિકાઓ માટે સરેરાશ 41.75 ટકા મતદાન થયું છે. જામનગરમાં સૌથી વધારે 49.64 ટકા જયારે અમદાવાદમાં સૌથી ઓછું 38.73 ટકા મતદાન નોંધાયું છે.

વડોદરા, અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાની 576 બેઠકો માટે 2,700 કરતાં વધારે ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. કોરોનાની મહામારીના કારણે મતદારોમાં લોકશાહીના પર્વનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. ઓછા મતદાનના કારણે ભાજપના નેતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર હોવા છતાં ભાજપના નેતાઓ અમદાવાદ મહાનગરપાલિકામાં મતદાનની ટકાવારી વધારવામાં નિષ્ફળ સાબિત થયાં હતાં.

અમદાવાદ મહાનગરપાલિકામાં માત્ર 38.73 ટકા મતદાન નોંધાયું છે. રાજયની અન્ય મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે તો જામનગરમાં સૌથી વધારે 49.64 ટકા, રાજકોટમાં 45.74 ટકા, ભાવનગરમાં 43.66 ટકા, વડોદરામાં 42.82 ટકા અને સુરતમાં 42.72 ટકા મતદાન થયું છે. સામાન્ય રીતે નીચું મતદાન ભાજપ માટે નુકશાન કારક માનવામાં આવે છે પણ મતદારોએ કોના તરફી મતદાન કર્યુ છે તે તો મંગળવારના રોજ ખબર પડશે. બીજી તરફ ઓછા મતદાનને કોંગ્રેસના નેતાઓએ સત્તાપક્ષ સામેનો રોષ ગણાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે હવે જોવું એ રહયું છે કે જનતાએ પુનરાવર્તન માટે વોટ આપ્યાં છે કે પછી પરિવર્તન માટે....

મનપાના મતદાનની ટકાવારી

મનપા મતદાન

જામનગર 49.64
રાજકોટ 45.74
ભાવનગર 43.66
વડોદરા 42.82
સુરત 42.72
અમદાવાદ 38.73

Next Story