Connect Gujarat
ગુજરાત

ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા; રાજ્યમાં હજુ પણ 44% વરસાદની ઘટ

ચાલુ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થયો હતો જેના કારણે અનુમાન લગાવવામાં આવતું હતું કે, ઓગસ્ટમાં પણ ઘણો વરસાદ થશે. આ સાથે આ વખતે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી પણ કરી હતી.

ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા; રાજ્યમાં હજુ પણ 44% વરસાદની ઘટ
X

ચાલુ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થયો હતો જેના કારણે અનુમાન લગાવવામાં આવતું હતું કે, ઓગસ્ટમાં પણ ઘણો વરસાદ થશે. આ સાથે આ વખતે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી પણ કરી હતી. રાજ્યમાં અત્યાર સુધી આ સિઝનમાં 7 વર્ષની સરખામણીએ સૌથી સાધારણ વરસાદ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી 12 ઈંચ સાથે મોસમનો સરેરાશ 36.28 ટકા વરસાદ નોંધાયો છે. વર્ષ 2017થી 2020નાં વર્ષમાં 9 ઓગસ્ટ સુધીમાં 50 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ 44 ટકા વરસાદની ઘટ છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં 15મી પછી ગુજરાતમાં સારો વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ઓગસ્ટ માસમાં તારીખ 15 અને 16 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા. 18થી 24માં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં તા.19થી 21, તારીખ 23-24થી 28 ઓગસ્ટ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે તેમ છે. ઓગસ્ટના અંતમાં પણ વરસાદ થતા આ વરસાદ ખેડૂત ભાઈઓને ઉપયોગી રહેશે.

રાજ્યમાં માત્ર 4 તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 26 તાલુકામાં 9.72 ઈંચથી 39.37 ઈંચ, 100 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 94 તાલુકામાં 4.96 ઈંચથી 9.84 ઈંચ, 25 તાલુકામાં 2 ઈંચથી 4.92 ઈંચ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ 1.96 ઈંચથી ઓછું છે. અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ એમ ચાર જિલ્લામાં હજુ સુધી કુલ 10 ઈંચ પણ વરસાદ પડયો નથી.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે પ્રશાંત સાગરને પ્રભાવિત કરનારી લા નીનાની સ્થિતિ સપ્ટેમ્બર સુધી આવી શકે છે. વૈશ્વિક હવામાન સાથે જોડાયેલી લા નીનાની સ્થિતિના કારણે ભારતમાં સામાન્યથી વધારે સીઝનલ વરસાદ અને ઠંડી પડી શકે છે. વિભાગે કહ્યું કે, ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદ થઈ શકે છે અને ત્યારે લા નીનાની સ્થિતિ બનશે.

Next Story