ગાંધીનગરની ફાઈવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા યુવાનની હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હત્યાના આરોપમાં સેકટર -13માં રહેતાં સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
મૂળ બરોડા બી/702,દર્શનમ એપાર્ટમેન્ટ, વાસણા ભટાલીનો રહેવાસી 25 વર્ષીય દેવાંશ પ્રાણનાથ ભાટિયા નામનો યુવાન જુલાઈ મહિનાથી ગાંધીનગરની ફાઈવસ્ટાર હોટલ 'લીલા'માં નોકરી કરતો હતો. અને હોટલમાં રિસેપ્શન કાઉન્ટર પર ફરજ બજાવતો હતો. દેવાંશ સેકટર-27માં આવેલા એક મકાનમાં ભાડે રહેતો હતો. થોડા દિવસો પહેલાં દેવાંશને ગઈકાલે નોકરી પર રજા હોવાથી તે ઘર પર જ હતો. વહેલી સવારે સેકટર-27 બગીચાના કોર્નર પાસે આવેલી ચાની કીટલી નજીક દેવાંશનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. ગાંધીનગર રેન્જના આઇજી અભયસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલી નાંખવા પોલીસ કામે લાગી હતી. રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જે દિવસે દેવાંશની હત્યા થઇ તે દિવસે શિવાંશવાળો કેસ પણ હતો અને પોલીસની ટીમો તેમાં વ્યસ્ત હતી પણ એ કેસ ડીટેકટ થતાં પોલીસે હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી. સૌ પ્રથમ દેવાંશ કયાંથી આવ્યો હતો અને કયાં જતો હતો તેનો રૂટ સીસીટીવી ફુટેજના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. દેવાંશ જયારે સેકટર 27ના બગીચા પાસેથી પસાર થતો હતો ત્યારે તેને એક સગીર સહિત ચાર યુવાનોએ આંતર્યો હતો અને તેની પાસે પૈસાની માંગણી કરી હતી. દેવાંશે પૈસા આપવાની ના પાડતાં ચારેય જણા તેનું પાકીટ અને હેડફોન લઇને ભાગી છુટયાં હતાં. પોલીસે વિવિધ પોઇન્ટ પર આવા અસામાજીક તત્વોની ગતિવિધિઓ ટ્રેસ કરી હતી જેમાં દેવાંશની હત્યામાં સેકટર -13માં રહેતાં અસામાજીકોનો હાથ હોવાની માહિતી મળી હતી. પોલીસે સગીર સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઝપાઝપી દરમિયાન દેવાંશનો ફોન દુર પડી ગયો હતો. તપાસ દરમિયાન દેવાંશ એકદમ સીધો અને સરળ છોકરો હોવાનું જણાતાં અન્ય થીયરી પર તપાસ કરવામાં આવી હતી અને તેમાં પોલીસને સફળતા મળી છે.