Connect Gujarat
ગુજરાત

માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાક માવઠું તો ક્યાક ઠંડક વધી...

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધઘટ થવાની સાથે જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે

X

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધઘટ થવાની સાથે જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો કેટલીક જગ્યાએ અમીછાંટણા પણ વરસ્યા હતા.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે, ત્યારે માવઠાની આગાહી થતાં જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે. ભરૂચ જીલ્લામાં શનિવારની વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાથે જ ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. જોકે, હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

વડોદરા શહેર તથા જીલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનો છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં માવઠું વરસી પડ્યું હતું. કમોસમી વરસદા વરસતા કરજણ સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી.

આ તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ઠંડકમાં વધારો થયો છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટાની સાથે જ કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વાહનચાલકોને હાલાકી પડી હતી. જોકે, કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

તાપી જિલ્લામાં પણ સતત 2 દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે વ્યારા સહિતના વિવિધ વિસ્તારોમના વાતાવરણમાં પલટો આવતા ઠંડકના પ્રમાણમાં વધારો થયો છે. જોકે, હવામાન વિભાગે કરેલી માવઠાની શક્યતાના પગલે અહીના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે.

અંતે વાત હવે સુરેન્દ્રનગર જિલ્લાની, સુરેન્દ્રનગરના લીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારના અંધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠું વરસતા જ ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. જોકે, માવઠાના કારણે ઘઉં, જીરું અને વરિયાળી સહિતના શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.

Next Story