/connect-gujarat/media/post_banners/b4a0b35d742d5e499be69237f871c9ec4e05a391c2f18ef85edde7f64635ce77.jpg)
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 6 દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે, ત્યારે દિવાળીની રાત્રે યોજાતા ઈંગોરિયા યુદ્ધની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સાવરકુંડલામાં છેલ્લા 6 દાયકાથી જળવાયેલી પરંપરા મુજબ દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે. જોકે, હવે ઇંગોરીયાના વૃક્ષ ઘટી જતાં તેના સ્થાને અહીના યુવાનો કોકડાથી આ અનોખી આતશબાજી કરે છે. ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે. ઈંગોરીયાનું વૃક્ષ આશરે 8થી 10 ફૂટનું હોય છે અને તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે. વૃક્ષ પરથી ઈંગોરીયા તોડી તેને સુકવી તેમાં કાણું પાડી અંદરના ભાગે દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી તેને બંધ કરી સૂકવવામાં આવે છે. ઈંગોરીયું તૈયાર થઈ જતાં દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે. આ ઈંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટ કે જામગરી વડે સળગાવાય સામ સામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે.
સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂરદૂર સુધી ખસેડી દે છે. હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે તેવા આગના ફુવારા ગોળી અને રોકેટની જેમ દૂર સુધી જાય છે. આ રોમાંચિત લડાઈમાં આનંદ, કીકીયારી, નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાય છે. ઉપરાંત કોઈ મોટું નુકશાન કે, માથાકુટ થતી નથી. કારણ કે આ એક નિર્દોષ રમત હોય છે. રાતના દસ વાગ્યાથી સવાર સુધી આ ઈંગોરીયાની લડાઈ ચાલે છે.સમયના બદલાતા વહેણ સાથે આ ઈંગોરીયાની લડાઈમાં પણ પરિવર્તન થયું છે. લડાઈનું નામ તો ઈંગોરીયાની લડાઈ જ રહ્યું છે, પરંતુ ઈંગોરીયાના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાન કોકડાએ લીધું છે. આથી કોકડાને દારૂખાનું ભરી તૈયાર કરવામાં આવે છે. માધ્યમો બદલાયા, પરંતુ ઇંગોરીયાની આ અનોખી લડાઇ આજે પણ યથાવત રહી છે.