બુદ્ધવિહાર સોસા.માં રસ્તાનો અભાવ
વરસાદમાં સર્જાયું કાદવનું સામ્રાજ્ય
કાદવમાંથી પસાર થઈને શાળાએ જતા બાળકો
શાળાએ જતા બાળકો માટે માતાઓ બની લાચાર
તંત્ર વહેલી તકે રસ્તો બનાવે તેવી ઉઠી માંગ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીમાં રસ્તાના અભાવે વરસાદમાં ભારે કાદવનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને બાળકો શાળાએ ભણવા જવા માટે મજબુર બન્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીનો મુખ્ય માર્ગ પાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે બનતો નથી,જેના કારણે વરસાદમાં આ રસ્તા પર કાદવનું સામ્રાજ્ય સર્જાય જાય છે,અને પરિણામે શાળાએ સ્કૂલ બેગ ખભે ભેરવીને જતા બાળકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.બાળકો સાથે તેમની માતાઓ હાથમાં પાણી ભરેલી ડોલ સાથે લઈને રસ્તો પસાર કરે છે,અને પાકો રસ્તો આવ્યા બાદ બાળકોના પગ પાણીથી ધોઈને બાળકોને સ્કૂલે રવાના કરે છે.
બુદ્ધવિહાર સોસાયટીમાં સાત વર્ષથી પારાવાર પરેશાની ભોગવતી માતાઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ રબડીરાજમાંથી સવારે પસાર થઈને બાળકોની ચિંતાઓ કરે છે,પણ નીંભર પાલિકા તંત્ર આ સોસાયટીના 50 પરિવારો પ્રત્યે કાળજી ન લેતું હોવાથી વિદ્યાર્થીઓ બાળકો પણ પરેશાની ભોગવી રહ્યા છે.
સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બુદ્ધવિહાર સોસાયટીના રોડનું ટેન્ડર મંજુર થઈ ગયું છે,પણ રેતીનો ગંભીર પ્રશ્ન અમરેલી જિલ્લામાં હોવાથી સીસી રોડ બનાવવામાં મોટી અડચણ હોવાનું પાલિકા પ્રમુખ સ્વીકારે છે.અને સ્થાનિક લોકોની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર પ્રયત્નશીલ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.