Connect Gujarat
ગુજરાત

અમરેલી : પ્રતાપગઢના આગેવાનનું કોરોનાથી થયું મોત, વધુ મોત રોકવા જુઓ ગ્રામજનોએ શું કર્યું

લાઠી તાલુકામાં આવેલું છે પ્રતાપગઢ ગામ, અગ્રણીનું ઓકિસજનના અભાવે થયું હતું મોત.

X

કોરોનાની બીજી લહેરમાં મોટા ભાગના મોત ઓકિસજનની અછતના કારણે થયાં હતાં. અમરેલીના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના અગ્રણીનું કોરોનાથી મોત થયા બાદ ગામલોકોએ તેમને અનોખી રીતે શ્રધ્ધાજલિ આપવાની સાથે વાતાવરણમાં ઓકિસજનની માત્રા વધારવા નવતર અભિગમ અપનાવ્યો છે.

લાઠી તાલુકાનું પ્રતાપગઢ ગામ.....આ ગામમાં 500થી વધારે દેશી પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરાયું છે અને આ વૃક્ષોના વાવેતર પાછળ એક અનોખો ઉદ્દેશ છે. ગામના વતની અને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને સુરત ખાતે રહેતાં ગોરધનભાઇ રિજિયાનું એકાદ મહિના પહેલા કોરોનાના કારણે મોત થયું હતું. તેમને મોત પાછળ ઓકિસજનની ઘટ જવાબદાર હતી. ઓકિસજનની ઘટથી મૃત્યુ દર ઓછો કરવા તેમજ વાતાવરણમાં ઓકિસજનની માત્રા વધારવા ગામલોકોએ નવતર પ્રયોગ કર્યો છે. આંબો, વડ, પીપળો, લીમડા સહિતની દેશી પ્રજાતિના 500થી વધારે વૃક્ષોનું વાવેતર કરી આ સ્થળને ઓકિસજન ગાર્ડનનું નામ આપવામાં આવ્યું છે.

કોરોનાના કારણે આગેવાનનું મૃત્યુ થતા ગામમાં શોકનો માહોલ છે. પ્રતાપગઢ ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી. ગામમાં વૃક્ષોના વાવેતરને આ માટે લોકો જવાબદાર ગણી રહયાં છે. ગામમાં વાવેતર કરવામાં આવેલાં વૃક્ષોના જતનનો સંકલ્પ પણ ગામ લોકો પાસે લેવડાવવામાં આવ્યો છે.

કોરોનાની ત્રીજી લહેર દસ્તક દે તેવું અનુમાન લગાવવામાં આવી રહયું છે. તેવામાં ઓક્સિજનની માત્રામાં વધારો કરતાં વૃક્ષો વાવવામાં આવે તો ખૂબ ફાયદો થઈ શકે તેવું અહીંના ગામ લોકો માની રહ્યા છે.ઓક્સિજન લેવલ કુદરતી રીતે લોકોના શરીરમાં જળવાય રહે તે માટે આ પગલાંને લોકો આવકારદાયી ગણાવી રહયાં છે.

Next Story