Connect Gujarat
ગુજરાત

આત્મનિર્ભર ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતાં પાર્શ્વ ગાયક

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખોબા જેવડાં ખારી ગામના વતની જયદેવ ગોસાઈની ગાયકી અને બુલંદ અવાજે આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગ્યાં છે

આત્મનિર્ભર ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતાં પાર્શ્વ ગાયક
X

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખોબા જેવડાં ખારી ગામના વતની જયદેવ ગોસાઈની ગાયકી અને બુલંદ અવાજે આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગ્યાં છે, ત્યારે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજિત 'આત્મનિર્ભર ગુજરાત ગૌરવ એવોર્ડ' માટે જયદેવ ગોસાઈની પસંદગી થતા સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ એવોર્ડ સંગીત, એક્ટીંગ, ડાન્સ, ડાયરેક્શન વગેરેમાં યશસ્વી કામગીરી કરનાર કલા કસબીઓને આપવામાં આવે છે.

જયદેવ દેસાઇને તેમના સંગીત ક્ષેત્રના ૧૭ વર્ષના યોગદાન અને વિશ્વભરમાં ભારતીય અને ગુજરાતી સંગીતની ગુંજ ફેલાવવા માટે બિહારી હેમુ ગઢવીના હસ્તે આ એવોર્ડ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જયદેવ ગોસાઈએ ગોસાઈ ધીરજગીરીજી, પંડિત અજય ચક્રવર્તીજી, ઉસ્તાદ રાશિદખાન સાહેબ, સુરેશ વાડકરજી તથા ડો. જય સેવક પાસેથી ગાયનની તાલીમ લઈ ગાયકીમાં નિપુણતા હાંસલ કરી છે. તેમના અવાજની ભારતભરમાં ચાહના વધતાં તેમને સાથીયા, નવ્યા, શક્તિ તુજ સંગ પ્રીત લગાઈ, દિયા ઔર બાતી, બડે અચ્છે લગતે હૈ, દેવો કે દેવ મહાદેવ, જોધા અકબર વગેરે જેવી હિન્દી સિરિયલોમાં અવાજ આપવાની તક મળી છે, તો સાથે જ સાહેબ બીવી, ગેંગસ્ટર, બુલેટ રાજા, 'પી' સે પ્યાર 'એફ' સે ફરાર, દાલ મે કુછ કાલાં, ક્યા સુપર કૂલ હૈ હમ વગેરે હિન્દી ફિલ્મોમાં તેમના અવાજનો જાદુ લોકોને આફરીન કરી ગયો છે. જયદેવે આમિર ખાનની આગામી ફિલ્મ માટે પણ તાજેતરમાં ગીત ગાયું છે. જે ટૂંક સમયમાં જ રિલીઝ થશે. બહુચર્ચિત આલ્બમ ભારત દર્શન કે, જેનું વિમોચન અમિતાભ બચ્ચનના હાથે થયેલું તેમાં પણ જયદેવે અવાજ આપેલો અને આ સિવાયના અન્ય ૨૯ જેટલા આલ્બમ પણ જયદેવના અવાજથી કર્ણપ્રિય બનેલાં છે. આગામી પ્રોજેક્ટ તરીકે ૧ ગુજરાતી અને ૨ હિન્દી વેબસિરીઝમાં જયદેવનો અવાજ લોકોને સાંભળવા મળશે. યુકે, ઓસ્ટ્રેલિયા, ઓમાન, દુબઈ, સ્કોટલેન્ડ, નોર્થ વેલ્સ વગેરે દેશોમાં કાર્યક્રમો આપી ચૂકેલાં જયદેવ ગોસાઈ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પંજાબી, મરાઠી, બંગાળી, રાજસ્થાની, કન્નડ અને ઓડિસી ભાષામાં પણ એટલી જ સહજતાથી ગીતો ગાઈ શકે છે, અને નજીકના સમયમાં હિંદી-ઉર્દૂ ગઝલોનો તેઓનો આલ્બમ પણ લોન્ચ થવાં જઈ રહ્યો છે.


Next Story