Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેત્રંગના કુપ ગામે જોવા મળ્યું વાનર અને ખેડુત વચ્ચે અનોખું જોડાણ

ભરૂચ : નેત્રંગના કુપ ગામે જોવા મળ્યું વાનર અને ખેડુત વચ્ચે અનોખું જોડાણ
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ કુપ ગામમાં ઘવાયેલા વાનર અને ખેડુત વચ્ચે અનોખું જોડાણ જોવા મળ્યું હતું. ગળામાં તાર વીટળાઇ જવાથી ઘાયલ થયેલો વાનર ખેડુતને મળ્યાં બાદ વાનરે ખેડુતનો પીછો જ છોડયો નથી.

નેત્રંગ તાલુકના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુપ ગામના ખેડુત ચંદ્રસિંગ વસાવા અને તેમના પત્ની ઘાસચારો લેવા માટે જંગલમાં ગયાં હતાં. પતિ અને પત્ની ઘાસચારો કાપી રહયાં હતાં તે સમયે એક વાનર અચાનક આવી ચંદ્રસિંહના ખભા પર બેસી ગયો હતો. કપિરાજ ખભે આવી જતા ચંદ્રસિંગ વસાવા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખેડુતે કપિરાજથી પીછો છોડવવા ઘણાં પ્રયત્નો કર્યાં હતા.પરંતુ કપિરાજ તેમનો પીછો છોડતું ન હતું.


ચંદ્રસિંહે તપાસ કરતાં કપિરાજના ગળામાં તારના કારણે ગંભીર ઇજા પહોંચી હોવાનું જણાયું હતું. તેઓ કપિરાજને પોતાની સાથે ગામમાં લઇ આવ્યાં હતાં. કપિરાજને જોવા માટે ગામમાં લોકો એકત્ર થઇ ગયાં હતાં. કપિરાજની ઇજા ગંભીર હોવાથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ કુપ ગામે પહોંચી હતી અને કપિરાજને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ કપિરાજને નેત્રંગના પશુ દવાખાને લાવવામાં આવ્યો હતો પણ ચંદ્રસિંહ ન દેખાતાં કપિરાજ તોફાને ચઢયો હતો. આખરે ચંદ્રસિંહને પશુ દવાખાને બોલાવવામાં આવતાં કપિરાજ શાંત થયો હતો. ચંદ્રસિંહને સાથે રાખી કપિરાજની સારવાર ચાલુ કરવામાં આવી હતી. હાલ કપિરાજને વનવિભાગની કચેરીએ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

Next Story