Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઉમલ્લા CHC સેન્ટરના આઉટસોર્સિંગ કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચ : ઉમલ્લા CHC સેન્ટરના આઉટસોર્સિંગ કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા CHC સેન્ટર ખાતે ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. જો આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં નહીં આવે તો, ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજ્યમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને મળતા ભથ્થાઓમાં સમયાંતરે વધારો કરી આપવામાં આવે છે. આ બાબતે વડોદરા આરડીડીના તા. 14/03/2017ના આદેશથી તા. 01/04/2016થી 28/02/2017 માટે પાછલી અસરથી ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે તેના 11 માસના એરિયર્સ પેટે 6534 રૂપિયા એજન્સીને ચુકવાયા હોવા છતાં , આ રકમ કર્મચારીઓને મળી નથી. એટલું જ નહી, છેલ્લા 5 વર્ષથી બોનસની રકમ પણ એજન્સી હજમ કરી ગઈ હોવાનો આઉટસોર્સિંગ કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે.

ઉપરાંત CHCના તમામ કર્મચારીઓના પગાર, બોનસ અને એરિયર્સમાં આઉટસોર્સિંગ એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ બૂમો ઉઠી છે. જો યોગ્ય તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેવી સંભાવના વર્તાઇ રહી છે, ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય અને હકના તમામ નાણા પરત મળે તેવી આઉટસોર્સિંગ કર્મચારીઓએ માંગણી કરી છે. તો સાથે જ તા. 31મેના રોજ આઉટસોર્સિંગ કર્મચારીઓનો કોન્ટ્રાકટ પૂરો થયો છે, ત્યારે જો આગામી સમયમાં આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story