પાનોલી-ખરોડ બ્રિજ નજીક નેશનલ હાઇવે પર ટેન્કરમાં આગ
સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી
ટેન્કરના ટાયરમાં આગ ફાટી નીકળતા ચાલકની સમય સૂચકતા
ટેન્કરને રોડ સાઈડમાં ઉભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી
જહેમત બાદ આગ કાબુમાં લેવા ફાયર ફાઈટરોને સફળતા મળી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના મુદ્રાથી ટેન્કરમાં સોયાબીન તેલ ભરીને સુરતના હજીરા મુકામે જઈ રહ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી-ખરોડ બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, ટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરી ટેન્કરને રોડની સાઈડમાં ઉભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. ટેન્કરમાં ફાટી નીકળેલી આગના પગલે સુરત તરફ જતો માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
તો બીજી તરફ, બનાવની જાણ થતાં ફાયર ટેન્ડરો સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. જોકે, ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને સફળતા મળી હતી. તો બીજી તરફ, માર્ગ પર થયેલા ટ્રાફિકજામને પોલીસે હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.