New Update
-
ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટાચૂંટણી
-
મતગણતરી પ્રક્રિયા હાથ ધરાય
-
જંબુસર ન.પા.અને આછોદ જિ.પં.બેઠક પર ભાજપનો વિજય
-
હાંસોટની પંડવાઈ બેઠક પર કોંગ્રેસનો વિજય
-
શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન
ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપ તો એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવારનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા
રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. સૌ પ્રથમ વાત કરીએ જંબુસર નગર સેવાસદનના વોર્ડ નંબર એકની યોજાયેલ પેટા ચૂંટણીની. તો આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાઠીઓ જંગ જોવા મળ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર અમિષા વાઘેલાનો વિજય થયો હતો. ભાજપના અમિષા વાઘેલાને 1186 મત,આમ આદમી પાર્ટીના કિરણ માછીને 328 મત અને કોંગ્રેસના વનિતા જાદવને 715 મત મળ્યા હતા.જંબુસર પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા ટેકેદારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી
ભરૂચની હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલી પંડવાઈ બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી જેમાં 82% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું.આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો ત્યારે આજ રોજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મત ગણતરી પ્રક્રિયામાં માત્ર 39 મતની પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો.
વિજેતા ઉમેદવારને કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છા પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેનો ભવ્ય વિજય થયો હતો
આ તરફ ભરૂચ જિલ્લા પંચાયતની આમોદની આછોદ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં 50.10 ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મત ગણતરી પ્રક્રિયા દરમિયાન કોઇ અનીરછનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ ચૂંટણીમાં ભાજપમાંથી મેલા વસાવા,કોંગ્રેસમાંથી સોમા વસાવા અને આમ આદમી પાર્ટીમાંથી જયંતિ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ભાજપના મેલા વસાવાનો વિજય થયો હતો.મેલા વસાવાનો 6400 મતે વિજય થયો હતો.