કરગટ ગામ ખાતે ચાલતી તળાવ બ્યુટિફિકેશનની કામગીરી
તળાવ બ્યુટિફિકેશનના ખોદકામ સામે ઓડ સમાજનો વિરોધ
માટી સાથે મૃતક સ્વજનોની અસ્થિ પણ લઈ જવાનો આક્ષેપ
વિરોધ સાથે પ્રાંત કચેરીએ ઓડ સમાજ દ્વારા આવેદન પત્ર
મૃતકોને દફનાવાતા હોવાથી કામગીરી અટકાવવા માંગ કરી
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તંત્ર તળાવ બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરીના નામે થતાં ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બાપદાદાના સમયથી સમાજના રીત રિવાજ મુજબ તેઓ મૃતક સ્વજનોને ગામ તળાવની જમીનમાં દફનાવતા આવ્યા છે. હાલમાં પંચાયત કમિટી દ્વારા ગામ તળાવના બ્યુટીફિકેશનની કામગીરીમાં નાણાકીય લાભ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનો વિરોધ હોવા છતાં ઓડ સમાજના સ્મશાનમાં JCB દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે મૃતક સ્વજનોના હાડપિંજર પણ ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. માનવતાના નામ પર કલંક જેવી ઘટના સામે સંબંધીત વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા તેમજ આ જગ્યા ઓડ સમાજના નામે કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.