New Update
-
ભરૂચ નજીક પાવન સલીલા માં નર્મદા થઈ રહી છે દુષિત
-
ગટરનું દુષિત પાણી નર્મદા નદીમાં ખુલ્લેઆમ ભળી રહ્યું છે
-
દર્શનમાત્રથી પાપ મુક્ત કરતી નર્મદા નદી જ થઈ રહી છે અપવિત્ર
-
પાણીના ટ્રીટમેન્ટ માટે બનાવાયેલ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન
-
યમુના નદીમાં પ્રદુષણ મામલે ઉહાપોહ મચાવનાર ભાજપના શાસકો નર્મદાના પ્રદુષણ મુદ્દે મૌન કેમ?
નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ રહ્યા છે પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોશો તો તમારી આંખમાંથી આંસુ આવી જશે.નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે છતાં પણ તંત્રનું મૌન ગંભીર બેદરકારીના દર્શન કરાવી રહ્યું છે
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉહાપોહ મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે જે ખૂબ જ ચિંતાજનક છે.
ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલ ભૂગર્ભ ગટર યોજના દસ વર્ષ પછી પણ પૂર્ણ થઇ નથી પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદું અને દૂષિત પાણી સીધું મા નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.શહેરના ફુરજા, લાલબજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદામાં નદીમાં વહી રહ્યું છે.
શહેરી વિસ્તાર બાદ હવે ઝાડેશ્વર નજીક તવરા રોડ પર આકાર પામી રહેલ નવી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટનું દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલા માં નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે.
ગટરનો દૂષિત પાણી નર્મદા નદીમાં જતું અટકાવવા માટે તંત્ર દ્વારા શહેરમાં ઘેલાણી તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે પરંતુ એક યા બીજા કારણોસર આ પ્લાન પણ કાર્યરત થઈ શક્યો નથી જેના કારણે આ સમસ્યા વર્ષોથી જેસે થે જેવી જ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરી છે તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવતું.
ગટરનો દૂષિત પાણી નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભું કરી રહ્યું છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજી સુધી પૂર્ણ થઈ શકી નથી તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન પણ શોભાના ગાંઠિયા સમાન જ છે ત્યારે સરકાર આ બાબતે ગંભીર ન હોવાનું દેખાઈ રહ્યું છે.
આ બાબતે ભરૂચ નગર સેવાસદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ જે નદીના જળને લોકો પવિત્ર માની મસ્તકે લગાવે છે એ જ નદીમાં લોકોના ઘરનું દૂષિત પાણી ભળે તે યોગ્ય નહીં જ કહી શકાય જાણે અજાણે સરકાર અને તંત્ર આ પાપ પોતાના માટે લઈ રહ્યું છે.