Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઘેટી ગામે ઊર્જા મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં 72મા વન મહોત્સવની ઉજવણી કરાય

ભાવનગર જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ઉર્જા મંત્રીશ્રી સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

ભાવનગર : ઘેટી ગામે ઊર્જા મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં 72મા વન મહોત્સવની ઉજવણી કરાય
X

ભાવનગર જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ઉર્જા મંત્રીશ્રી સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વર્તુળ ડો. કે રમેશની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

૭૨માં વન મહોત્સવને ખુલ્લો મુકતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જૈવિક ઈંધણોનો વપરાશ ઘટાડી બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતોનો રાજ્યમાં વપરાશ વધે તે માટે કટિબદ્ધ છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, જૈવિક ઇંધણને કારણે ફેલાતાં પ્રદૂષણથી પર્યાવરણ પર માઠી અસર થાય છે. આ અસરનાં કારણે પૃથ્વીના તાપમાનમાં વૃધ્ધિ, વાવાઝોડા, જંગલોમાં આગ જેવી ઘટનાઓ વિશ્વમાં બનવા લાગી છે. સમગ્ર વિશ્વ પણ આ બાબતે હવે ચિંતિત બન્યું છે અને ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે ઘટાડી શકાય તે માટે ચિંતન કરી તે માટેની સુસંગત નીતિઓ બનાવી તેનું અમલીકરણ પણ કરી રહ્યું છે. પૃથ્વી પર થઈ રહેલા વાતાવરણીય અને આબોહવાકીય ફેરફારોને પહોંચી વળવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા આ માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. છતાં, આ એવું કાર્ય છે. જેમાં લોકોની પણ સક્રિય ભાગીદારી જરૂરી છે. લોકો જ્યાં સુધી પ્રકૃતિના જતન-સંવર્ધન માટે કટિબધ્ધ ન બને ત્યાં સુધી વાતાવરણમાં મોટા ફેરફારો ન આવી શકે. ઇંધણને કારણે ફેલાતાં પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇ-વહીકલ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઇ-વહીકલ ખરીદનાર નાગરીકોને સબસીડી પણ આપવામાં આવે છે.


કેન્દ્ર સરકાર દ્વારા પણ ગઇકાલે 'સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જૂના વાહનો દ્વારા મોટા પ્રમાણમાં વાયુ પ્રદુષણ થાય છે. આ પોલિસી અંતર્ગત ૧૫ વર્ષથી જુના વાહનોને સ્ક્રેપ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.જેના કારણે મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ થતું અટકાવી શકાશે. આપણાં પૂર્વજોએ આપણને જે પ્રાકૃતિક વિરાસત આપી છે, તેને આગળ વધારવા માટે બાળકોમાં શિક્ષણની સાથે વૃક્ષો ઉછેરનાં સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે. તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લામાં મોટાપાયા પર વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે. આ રીતે કુદરતી સંતુલન જાળવવા માટે પણ આપણે વધુ વૃક્ષોના જતન-સંવર્ધન માટે કટિબધ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો. હવામાં ફેલાતાં પ્રદુષણને અટકાવવા માટે રાજ્ય સરકાર ભાર મૂકી રહી છે. આ માટે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના સોલાર પાર્કની સ્થાપના કરવામાં આવનાર છે. આ પ્રોજેકટ દ્વારા રાજ્યની ૧૦ થી ૧૫ વર્ષની ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા આયોજન હાથ ધરાયું છે. રાજ્યમાં સૂર્યશક્તિ, કિસાન સૂર્યોદય યોજનાનું પણ રાજ્યમાં ઝડપથી અમલીકરણ થઈ રહ્યું છે. ખેડૂતોને આ યોજના હેઠળ દિવસે વીજળી આપવામાં આવી રહી છે. આવતાં વર્ષ સુધીમાં ભાવનગરના તમામ ગામો આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે તેવી જાહેરાત તેમણે કરી હતી. જ્યોતિગ્રામ યોજના માટે રાજ્યમાં એક લાખ કિ.મી.ના વીજળીના તાર અને ૧૦ લાખ થાંભલાઓ ઉભા કરીને સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. તે જ રીતે ૩.૫ હજાર કરોડના ખર્ચે કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોના સ્વપ્નાઓ પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે.આ પ્રસંગે પાલીતાણાનાં ધારાસભ્ય ભીખા બારૈયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશનાં પશ્ચિમ કાંઠે આવેલું હોવાથી રાજ્યમાં સૂર્યના સીધા કિરણો પડે છે. તેથી રાજ્યમાં જંગલ વિસ્તાર ઓછો છે. રાજ્યમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ વિસ્તારની બહાર પણ વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વનોની બહાર પણ વૃક્ષો વાવવા માટે બજેટમાં રાજ્ય સરકારે રૂ.૨૧૯ કરોડની જોગવાઈ કરી છે. વધુ વૃક્ષો વાવવા તે સમયની માંગ છે. વૃક્ષો દ્વારા જ આપણને શુધ્ધ ઓક્સિજન મળશે. આ તકે ગારીયાધારના ધારાસભ્ય કેશુ નાકારણીએ જણાવ્યું કે, ઓક્સિજનની કિંમત આપણને કોરોનાકાળમાં સમજાઈ છે. આ ઓક્સિજનનું કુદરતી ઉદભવસ્થાન વૃક્ષો છે. દરેક પ્રકારના વૃક્ષોમાં કંઈક ને કંઈક ઔષધિય ગુણો ધરાવે છે. માટે આપણે ધરના આંગણે, ખેતરના શેઢે જ્યાં જગ્યા મળે ત્યાં વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ. રાજ્ય સરકારે પણ આ જરૂરિયાતને ધ્યાને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓક્સિજન પાર્ક બનાવવાની શરૂઆત કરી છે. આ તકે સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના નાયબ વન સંરક્ષક ડો. સંદીપકુમારે ઉપસ્થિત સૌ કોઈને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતના વિલક્ષણ રાજપુરૂષ કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦થી વૃક્ષરોપણની શરૂઆત કરાવી હતી. આ વારસાને આગળ વધારી આવનારી પેઢીને પણ ફળ, ફૂલ અને વૃક્ષ થી હરિભરી હરિયાળી વારસામાં મળે તે માટે પ્રતિ વર્ષ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પાલીતાણામાં ૧.૦૪ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વનીકરણ વિભાગ દ્વારા ૩૦.૫૦ લાખ રોપાઓનું છેલ્લા એક વર્ષમાં રોપવામાં આવ્યા છે. જેમાંથી ૮.૯૪ રોપાઓ લોકોને મફત વિતરિત કરવામાં આવ્યાં છે. કાર્યક્રમમા મહાનુભવો દ્વારા કોરોના પ્રતિરોધક ઔષધિય વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું અને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,

Next Story
Share it