Connect Gujarat
ગુજરાત

ભાવનગર : આંગણવાડીના 11 હજારથી વધુ બાળકો માટે યોજાયો ગણવેશ વિતરણનો કાર્યક્રમ

ભાવનગર : આંગણવાડીના 11 હજારથી વધુ બાળકો માટે યોજાયો ગણવેશ વિતરણનો કાર્યક્રમ
X

ભાવનગર શહેર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની ૩૧૬ આંગણવાડીઓના ૧૧,૭૭૧ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ ગણવેશથી આગવી ઓળખ મળશે. મુખ્યમંત્રીએ ૩૬ કરોડ ૨૮ લાખના ખર્ચે આકાર પામેલી આ ગણવેશ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો-ભૂલકાઓ માટેનો આ સંવેદના સ્પર્શી નવતર અભિગમ ગણાવી જણાવ્યું હતું કે, રાજ્યભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિના મૂલ્યે ગણવેશ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર ગુજરાત રાજ્ય છે. ગુજરાતે કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે ૧ કિલો ગ્રામ સુખડી આપવાની પહેલ પણ ગુજરાતે કરી છે.


ભાવનગરના મેયર કીર્તિ દાણીધારીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓને નંદ ઘર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, તેમાં આનંદ સાથે અભ્યાસની દરેક પ્રકારની સગવડ ઉપલબ્ધ છે. ખાનગી પ્લે-શાળા કે, આંગણવાડી કરતાં ઉચ્ચ સ્તરના અને લાયકાત ધરાવતા શિક્ષકોની આંગણવાડીમાં ભરતી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજથી શરૂ કરવામાં આવેલ ગણવેશ વિતરણ કાર્યક્રમને આવકારતા તેમણે જણાવ્યું કે, આંગણવાડીમાં પ્લે એરિયા સાથે મોટા રમકડાં, મોટી કીટ તો હોય જ છે. પરંતુ હવે તેમાં ગણવેશ પણ સામેલ કરવામાં આવવાથી બાળકો કિલ્લોલથી રમશે, આનંદ કરશે અને તેની સાથે-સાથે ભણશે.

આ નંદ ઘરમાં માતા યશોદાની જેમ કાર્ય કરતી બહેનો નાના-નાના ભૂલકાઓ માટે જે મહેનત કરે છે તેને પણ તેમને આવકારી તેઓ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કૃણાલ શાહ, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, દંડક પંકજસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story