ભાવનગર : પાલીતાણાના રણછોડ મારુંને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ, આત્મસાત કરી બનાવ્યું મેઘાણી મંદિર

New Update

ગુજરાતી સાહિત્યના ઘૂઘવતા મહેરામણ અને રાષ્ટ્રીય શાયર એવાં ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ પંક્તિઓ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રણછોડ મારુંએ જરા જુદી રીતે આત્મસાત કર્યો છે. તેઓ કહે છે કે, હો રાજ મને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ.

Advertisment

જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં રહેતાં રણછોડ મારું નામના એક વ્યક્તિને જાણે ઝવેરચંદ મેઘાણીનો રંગ લાગ્યો હોય તેમ છેલ્લાં બે દાયકાથી મેઘાણી મંદિર બનાવીને તેમના જેવો જ અદ્દલ પોશાક સાથે પોતાનું જીવન વ્યતિત કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના તેવો અનોખા ચાહક છે. મેઘાણી પ્રત્યે તેમને એવો અદ્ભુત પ્રેમ છે કે, બિલકુલ તેમનાં જેવો જ પહેરવેશ પહેરે છે. તેઓ કહે છે કે, છેલ્લાં ૪૦ વર્ષથી મેઘાણીજીની જન્મ જયંતી હું હૃદયથી ઉજવી રહ્યો છું.

મેઘાણી ભવનમાં છેલ્લા ૨૦ વર્ષથી જઉં છું. મારે મન રોજ મેઘાણી જન્મ જયંતી છે. લોકો ૧૨૫મી જન્મ જયંતી ઊજવી રહ્યાં છે. પરંતુ હું જીવું ત્યાં સુધી હરરોજ જન્મ જયંતી ઊજવીશ તેવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે. મેઘાણી જન્મ તિથિ ૯મી માર્ચના રોજ ઉજવાતી હોય છે, તેમાં પણ હું માનતો નથી. કેમ કે, મેઘાણીજી અવસાન પામ્યાં જ નથી. એ મરણ પામે તેની જ તિથિ ઉજવવામાં આવતી હોય છે. મેઘાણી બાપુ હર હંમેશ સૌના હૃદયમાં છે. આવનારા અનેક વર્ષો સુધી લોકોના જીવનમાં રહેશે તેવી મેઘાણી પ્રીતિ તેમના શબ્દોમાં ઝળકે છે.

રણછોડભાઈને દૂરથી કોઈ જૂએ તો તેમણે ઝવેરચંદ મેઘાણી સમજી થાપ ખાઈ બેસે કેટલી ચોકસાઈથી તેઓ તેમને અનુસરે છે. ઝવેરચંદ મેઘાણી પ્રત્યે રણછોડ મારુંને એટલી હદે આદર છે કે, તેમના પોતાના ઘરમાં જ મેઘાણીજીનું મંદિર બનાવ્યું છે અને નિત્ય તેઓ ઈશ્વરની જેમ જ ઝવેરચંદ મેઘાણીના માનમાં પૂજાપાઠ કરે છે. તેમને સવાર-સાંજ નિયમિત નમન કરે છે. તેમનું સમગ્ર ઘર અને તેમનું સમગ્ર જીવન મેઘાણીમય છે. ઝવેરચંદભાઈ જે –જે સ્થળોએ ફરીને તેના વિશે લખતાં હતાં તે તમામ સ્થળો તેમજ સોરઠ પંથકમાં બોટાદની તેમની કર્મભૂમિ હોય ત્યાં બધે રણછોડ મારુંએ ફરીને પવિત્ર ભૂમિને નમન કર્યા છે.

Advertisment