બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધૂળેટી પર્વની અતિભવ્ય રંગોત્સવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ધૂળેટી નિમિત્તે રંગ અને પિચકારી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ કષ્ટભંજન હનુમાનજીના દરબારમાં અતિભવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, સાળંગપુરમાં પહેલીવાર યોજાયેલ રંગોત્સવ માટે અમદાવાદ, સુરત અને બોટાદ સહિતના હરિભક્તોએ રંગ મોકલાવ્યા હતા. જેમાં હનુમાનજીને અર્પણ કરાયેલ 3 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો.
આ રંગોત્સવ માટે લોખંડની પાઇપમાં રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે આ રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં મંદિર પરિસરના આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત 25 હજારથી વધુ અલગ અલગ ચોકલેટ પણ હરિભક્તો ઉપર ઉડાડવામાં આવી હતી, ત્યારે આજરોજ ધૂળેટીનો અતિભવ્ય રંગોત્સવ હરિભક્તોએ ભારે ઉત્સાહ સાથે માનવી ધન્યતા અનુભવી હતી.